Congress Protest On Rajkot Game Zone Fire: રાજકોટ માટે 25 મે 2024ને શનિવારનો દિવસ કાળ સાબિત થયો હતો. તંત્રની બેદરકારી અને અનેક મોટા અધિકારીઓની કથિત સંડોવણીના કારણે 3-3 વર્ષથી ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ અગ્નિકાંડમાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન, કોઈએ દીકરો તો કોઈએ દીકરી, કોઈએ પતિ તો કોઈએ પિતા ગુમાવ્યા હતા. આજે આ દુર્ઘટનાને 1 મહિનો પૂર્ણ થવા છતાં મૃતકોના પરિવારોના હ્રદયમાં આગ સળગતી જોવા મળી રહી છે અને એક મહિને પણ પરિવારોના આંસુ સુકાતા નથી. પીડિતોની ફક્ત એક જ માંગ છે કે જવાબદારને કોઈપણ સંજોગોમાં છોડવામાં ન આવે અને તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે.
ADVERTISEMENT
રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણઃ બજારો સજ્જડ બંધ
રાજકોટ દુર્ઘટનાની આજે પ્રથમ માસિક પુષ્ણતિથિ નિમિતે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે રાજકોટના વેપારીઓએ પોત-પોતાની દુકાનો બંધ રાખી છે. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે. તો કોંગ્રેસના નેતાઓ પીડિતોને ન્યાય અપાવવા માટે રાજકોટના રસ્તા પર ઉતર્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. રાજકોટ અગ્નિકાંડના મૃતકોના પરિવારજનો પણ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે.
ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા મૃતકોના પરિવારજનો
આ દરમિયાન રાજકોટ ખાતે "ન્યાય આપો..ન્યાય આપો પીડિત પરિવારને ન્યાય આપો"ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પીડિત પરિવારની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલી બહેનને ન્યાય મળે તે માટે રસ્તા પર ઉતરેલા અને વિરોધ કરી રહેલા ભાઈની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા યુવકની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી છે.
પોલીસે પીડિત પરિવાર અટકાયત કરી
આ દરમિયાન યુવકે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારમાં ફક્તને ફક્ત ભ્રષ્ટાચાર ચાલે છે. આજે એક-એક મહિનો થવા છતાં સરકાર ધ્યાન આપતી નથી. એટલા માટે અમારે રસ્તા પર ઉતરવું પડ્યું છે. અમે ગુનેગાર નથી, ગુના કર્યા છે તેમને તો તમો પૂરતા નથી. અમારે ન્યાય જોઈએ છે.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT