Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં એક સાથે બે-બે સિસ્ટમ કાર્યરત થવાથી મેઘો મહેરબાન થયા છે. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે. બીજી તરફ નદી-નાળા અને જળાશયો પણ પાણીની નવી આવકથી છલકાઈ ઊઠ્યા છે. સ્વાભાવિકપણે મેઘરાજાની અવિરત મહેરથી ગુજરાતની ધરતીએ લીલુડી ચાદર ઓઢી લીધી છે. સાપુતારા જેવા હિલ સ્ટેશનોમાં કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હોઈ મોટી સંખ્યામાં સહેલાણીઓ તેની મોજ માણવા ઊમટી પડ્યા છે. જોકે, કુદરતની આ મહેરની બીજી બાજુ પણ જોવા મળી રહી છે. અમુક જગ્યાએ અતિભારે વરસાદથી ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે અને લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ત્યારે હવે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
ADVERTISEMENT
શું કહ્યું અંબાલાલ પટેલે?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 6 અને 7 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે.
8થી 14 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ!
આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 8થી 14 તારીખ દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.
અષાઢી બીજે રહેશે વાદળ છાયું વાતાવરણ: અંબાલાલ
તેમણે કહ્યું કે, અષાઢી બીજના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. 14થી 22 સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં સર્જાઈ શકે છે તારાજી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કૂલ 11 જિલ્લામાં વરસાદને લગતું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જો આવી રીતે મેઘો જોરદાર બેટિંગ કરશે તો રાજ્યના અમુક વિસ્તારોમાં તારાજી પણ સર્જાઈ શકે છે.
ભારે વરસાદ તૂટી પડશે
આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ખાસ કરીને બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે. તો રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે.
8થી 11 થશે સારો વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તારીખ 8, 9, 10 અને 11ના રોજ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. ત્યારબાદ 8થી 11 દરમિયાન વરસાદ થઈ ગયા પછી બંગાળના અખાતમાં એક સિસ્ટમ સક્રિય થશે. ત્યાર બાદ તા. 17 જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT