IND vs SA Final T20 World Cup 2024 : વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સહ-આયોજિત ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2024 અંત તરફ આગળ વધી રહ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ શનિવારે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો અત્યાર સુધી અજેય રહી છે. ત્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ICCની કોઈ ટૂર્નામેન્ટમાં ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. તેણે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવ્યું હતું.
ADVERTISEMENT
રોહિત માટે આસાન નથી મુકાબલો
રોહિત માટે આ મહામુકાબલો માનસિક રીતે આસાન નથી. તેમની કપ્તાનીમાં ભારત ટેસ્ટ વિશ્વ ચેમ્પિયનશિપ અને 2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ ચૂકી છે, પરંતુ રોહિત બ્રિગેડ ફાઈનલની આ અંતિમ મેચ ન જીતી શકી. રોહિતની ટીમને આ ફાઈનલ જીતવા માટે વધુ એક મોકો મળ્યો છે. અહીં જીતશે તો કરોડો ક્રિકેટ પ્રેમીઓની સાથે તેમની અંતિમ ટૂર્નામેન્ટમાં કોચિંગ કરી રહેલા રાહુલ દ્રવિડ, ખુદ અને વિરાટ કોહલી માટે આ વિશેષ ભેટ હશે. માનવામાં આવી રહ્યું છે કે રોહિત અને વિરાટનો પણ આ અંતિમ ટી-20 વર્લ્ડ કપ હોય શકે છે.
IPLમાં કોહલીએ કર્યું શાનદાર પ્રદર્શન
હાલની ટૂર્નામેન્ટ પહેલા કોહલી આઈપીએલ 2024માં રમતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમણે 154.69ના સ્ટ્રાઇક રેટથી એક સદી અને પાંચ અડધી સદીની સાથે 741 રન બનાવ્યા હતા. તેઓ ઓરેન્જ કેપ વિજેતા હતા. જોકે ટી20 વર્લ્ડ કપ 2024માં તેઓ પોતાના પ્રદર્શન યથાવત રાખવામાં નિષ્ફળ રહ્યા છે. આશા છે કે ફાઈનલ મેચમાં તેમનું બેટ ફરી કમાલ કરશે.
હાલની ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. હાલમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલ મેચમાં તેઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ બીજી વખત બન્યું જ્યારે કોહલી ખાતું ખોલ્યા વગર પેવેલિયન પરત ફર્યા. આ પહેલા અમેરિકા વિરૂદ્ધ મેચમાં સૌરભ નેત્રવલકરે તેમને શૂન્ય પર આઉટ કર્યો હતો. ટી20 વર્લ્ડ કપ 2024માં કોહલીએ સાત મેચોમાં અત્યાર સુધી માત્ર 75 રન બનાવ્યા છે.
ફાઇનલ મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે/સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.
દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો યોનસેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ત્જે, તબરેજ શમ્સી.
બોલિંગમાં ફેરફારની શક્યતા
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. આમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલની હાજરી ભારત માટે વરદાન સાબિત થઈ રહી છે. બંને વેસ્ટ ઈન્ડિઝની પીચો પર જાદુ સર્જતા જોવા મળે છે. સાથે જ રવિન્દ્ર જાડેજા પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ભલે તેને અત્યાર સુધી ઘણી વિકેટ મળી નથી, પરંતુ જાડેજાએ આર્થિક રીતે બોલિંગ કરી છે. તે બેટથી પણ પ્રભાવ પાડવામાં સફળ રહ્યો છે. જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળતો જોવા મળશે. અર્શદીપ સિંહ તેને સપોર્ટ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા પણ તેની ચાર ઓવરની બોલિંગ કરતો જોવા મળશે.
કપાઈ શકે છે શિવમ દુબેનું પત્તું!
ફાઈનલ મેચમાં શિવમ દુબેનું પત્તું કપાઈ શકે છે. કેપ્ટન તેને ભારતના પ્લેઇંગ 11માંથી બહારનો રસ્તો બતાવી શકે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. ક્રિસ જોર્ડને તેને બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે. તે શાનદાર બેટિંગ કરતો જોઈ શકાય છે.
ADVERTISEMENT