Jay Shah On Team India: રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતા T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો. 29 જૂને બ્રિજટાઈનના કેન્સિંગ્ટન ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું. ભારતીય ટીમે બીજી વખત ટી20 વર્લ્ડ કપ જીત્યો. આ પહેલા તેણે 2007ની સીઝનમાં ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
ADVERTISEMENT
જય શાહની આ ભવિષ્યવાણી સાચી પડી
ફાઈનલ મેચમાં જીતની સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી. વાસ્તવમાં જય શાહે પહેલાથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે બાર્બાડોસના મેદાન પર રોહિત શર્મા ભારતનું ગૌરવ વધારશે. ત્યારે હકીકતમાં કેપ્ટન રોહિત શર્માએ ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતનું ગૌરવ વધારી દીધું.
જય શાહે ફરી મોટી ભવિષ્યવાણી કરી
હવે જય શાહે ફરી એક મોટી ભવિષ્યવાણી કરી છે. જય શાહે કહ્યું કે ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ જીતશે. જય શાહના નિવેદનથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. ચેમ્પિયન્સ ટ્રોફી 50 ઓવરના ફોર્મેટની ટુર્નામેન્ટ છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો છે, પરંતુ તેઓ હજુ પણ બાકીના બે ફોર્મેટમાં કેપ્ટન છે.
કોચ અને કેપ્ટનને સમર્પિત કરી જીત
જય શાહે એક વીડિયો મેસેજમાં કહ્યું કે, 'ટીમ ઈન્ડિયાને આ ઐતિહાસિક જીત માટે ખૂબ ખૂબ અભિનંદન. હું આ જીતને કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માંગુ છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી ત્રીજી ફાઈનલ હતી. જૂન 2023માં અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયા હતા. નવેમ્બર 2023માં દસ જીત બાદ અમે દિલ જીતી લીધું, પણ કપ ન જીતી શક્યા.'
બુમરાહ સહિત આ ખેલાડીઓને માન્યો આભાર
જય શાહે કહ્યું, 'મેં રાજકોટમાં કહ્યું હતું કે જૂન 2024માં અમે દિલ જીતીશું, કપ જીતીશું અને ભારતીય ધ્વજ પણ લહેરાવીશું અને અમારા કેપ્ટને ધ્વજ લહેરાવ્યો. આ જીતમાં છેલ્લી પાંચ ઓવરનો મોટો ફાળો હતો. હું આ યોગદાન માટે સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાનો આભાર માનું છું.' તેમણે કહ્યું કે, 'હવે આગામી લક્ષ્ય WTC ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે. મને વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટનશિપમાં અમે આ બંને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનશે.'
શું છે રોહિત શર્માનું લક્ષ્ય?
હવે રોહિત શર્માનું પ્રથમ લક્ષ્ય ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની ટીમને ખિતાબ જીતવામાં મદદ કરવાનું રહેશે. ત્યાર બાદ તેઓ જૂન 2025માં લોર્ડ્સમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ પણ જીતવા માંગશે. જોકે, WTC ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં મજબૂત પ્રદર્શન કરવું પડશે.
ADVERTISEMENT