Rajkot TRP Game Zone Fire: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ગેમ ઝોનની આગમાં 27 લોકોના મોત થયા તેમાંથી એક 22 વર્ષના વિશ્વરાજસિંહ જાડેજા પણ હતા. જે ઘટનાના પહેલા જ દિવસે નોકરી પર લાગ્યા હતા. ગેમ ઝોનમાં લાગેલી આગમાં લોકોને મદદ કરતા તેઓ પણ ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ પામ્યા હતા. નાની એવી ઉંમરના દીકરાના મોતના આઘાતમાં 15 જ દિવસમાં પિતાએ પણ દેહત્યાગ કરી દીધો હતો. ત્યારે એક જ દુર્ઘટનામાં પુત્ર અને પતિ બંનેને ગુમાવનારા વિશ્વરાજસિંહના માતા હજુ પણ ન્યાય મળવાની રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
'કોંગ્રેસવાળા ભીખારીની જેમ હાથમાં પતાકડું પકડાવી દે છે'
વિશ્વરાજના માતાએ ભીંજાયેલી આંખે કહ્યું- આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. છતાં મારા દીકરાને કોઈ સાચો ન્યાય નથી મળતો. કોંગ્રેસના માણસો આવે મીટિંગમાં બોલાવે, હું નથી જઈ શકતી, હું વિધવા થઈ ગઈ છું. મારો દીકરો ગયો, મારા પતિ ગયા, મારી માળાના બધા મોતી વિખેરાઈ ગયા છે. કોંગ્રેસવાળા મીટિંગમાં બોલાવે ન્યાય માગવા. મારા વહુને કહે છે રોડ ઉપર જવાનું, ભીખારીની જેમ હાથમાં પતાકડું પકડાવે છે કે મને ન્યાય આપો. 6-7 કલાકે ઘરે પાછા આવે છે, તો પણ એને ન્યાય મળતો નથી. એવું શીખવાડે છે કે તમે પૈસા માંગો.
'ભાજપવાળા કોંગ્રેસનું નીચું બોલવા કહે છે'
ભાજપ વિશે તેમણે કહ્યું કે, ભાજપવાળા એવું શીખવાડે છે કે, તમે કોંગ્રેસનું નીચું બોલો, અમારું નામ ઊંચું આવે. આ બંનેની લડાઈમાં અમારે શું લેવા દેવા? અમે અમારો દીકરો ખોયો છે, અમારે ન્યાય જોઈએ છે, પૈસા નથી જોતા. મારે દીકરા સામે દીકરો જોઈએ છે આપશે સરકાર? મારા વહુને મીટિંગમાં બોલાવે છે એ લોકોને સત્તા છે મારો દીકરો પાછો આપે?
'એક મહિનો થવા છતાં કોઈ અધિકારી ઘરે નથી આવ્યા'
તેમણે કહ્યું, આજે પૂરો એક મહિનો થયો છે ન્યાય માટે ધરણાં કરતા કરતા પણ એક પણ અધિકારી આવીને એમ નથી કહ્યું કે, અમે તમારા ઘરે આવીએ છીએ. આ લોકો શું મદદ કરશે અમારી. અમે એમને ચૂંટ્યા છે, અમે એમને ગાદીએ બેસાડ્યા છે, આપણા માટે, લોકો માટે શું કરે છે. એક પોલીસ નથી આવી અમારા ઘરે રિપોર્ટ કરવા. કોઈ નથી આવ્યું. આટલી બધી ઘટનાઓ થઈ ગઈ, કોઈને હજુ સુધી ન્યાય નથી મળ્યો. જો સરકાર ન્યાય નહીં અપાવે તો અમારે કાયદો હાથમાં લેવો પડશે.
વિશ્વરાજે કાપડની દુકાન ન ચાલતા નોકરી શરૂ કરી હતી
વિશ્વરાજસિંહના ભાભીએ કહ્યું, વિશ્વરાજ નોકરીએ ગયા હતા, બપોરે જમીને પહેલો દિવસ હતો. ગેમ ઝોન કશું જોયું પણ નહોતું. એને કંઈ ખબર નહોતી. સંબંધીના સંપર્કથી ત્યાં નોકરીએ લાગ્યા હતા. ઘરે કાપડની દુકાન હતી. ધંધો ન ચાલતા નોકરી શોધતા હતા.
(રોનક મજિઠીયા, રાજકોટ)
ADVERTISEMENT