Rajkot News: રાજકોટ અગ્નિકાંડ બાદ તપાસનો રેલો તત્કાલિન TPO મનસુખ સાગઠીયા સુધી પહોંચ્યો હતો. જેમાં મનસુખ સાગઠીયા પાસેથી આવક કરતા વધુ કરોડોની સંપત્તિ મળી હતી. જે બાદ ACB દ્વારા સાગઠીયા વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે મનસુખ સાગઠીયાની ઓફિસના સીલ ખોલીને સર્ચ કરવામાં આવતા વધુ 5 કરોડની રકમ તથા સોનું મળી આવ્યું છે. આ પહેલા સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની સંપત્તિ મળી હતી, જે તેની આવકના 410 ટકા વધુ હતી.
ADVERTISEMENT
ઓફિસમાંથી કરોડોની રોકડ અને સોનું મળ્યું
રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.
અગાઉ 19 જૂને મળી હતી 10 કરોડની સંપત્તિ
નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.
સાગઠીયાએ કર્યો પુરાવાનો નાશ
કોર્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમના સ્પે. પી.પી તુષાર ગોકાણી કહ્યું કે, બનવાના 1 દિવસ બાદ અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓરીજનલ રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. આ માટે જાડેજા બંધુઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. સ્પે.પીપી તુષાર ગોકાણીએ કહ્યું, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી.સાગઠીયા દ્વારા ખોટી મિનિટસ બુક બનાવવામાં આવી હતી. અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા TRP ગેમ ઝોનની જગ્યાના બીજા માલિક અશોકસિંહ જાડેજાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતી વખતેની દલીલમાં સ્પેશિયલ પી.પીએ કોર્ટમાં ઉપરોક્ત બાબતો જજ સમક્ષ રજૂ કરી હતી.
ADVERTISEMENT