Balaji Wafers: જાણીતી નમકીન કંપની બાલાજી ફરી એકવાર ચર્ચામાં આવી છે. બાલાજીના વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો ગ્રાહક દ્વારા દાવો કરાયો છે અને તેનો વીડિયો બનાવીને વાઈરલ કરાયો છે. આ પહેલા બાલાજી વેફર્સના ક્રન્ચેક્સમાંથી મરેલો દેડકો મળ્યા હોવાની ઘટના બની હતી. ત્યારે ફરી આ પ્રકારની ઘટના બનતા લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર બેદરકારીના સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
ગ્રાહકને વેફરના પેકેટમાં મરેલો ઉંદર મળ્યો
વિગતો મુજબ, બોટાદના ગઢડા તાલુકામાં આવેલા સાળંગપડા ગામે રહેતા યુવકની દીકરી બાલાજી વેફરનું પેકેટ લાવી હતી. આ વેફરનું પેકેટ ખોલતા અંદરથી મેરેલો ઉંદર મળી આવે છે. આથી બાળકી ગભરાઈ ગઈ હતી. જેને લઈને ગ્રાહકે તેનો વીડિયો બનાવ્યો હતો. જે હવે સામે આવ્યો છે. ગ્રાહકે જે દુકાનમાંથી વેફર ખરીદી હતી ત્યાં ઉંદર નીકળવાની પણ ફરિયાદ કરી હતી. વાઈરલ વીડિયોની ગુજરાત Tak પુષ્ટિ કરતું નથી.
અગાઉ વેફરમાંથી દેડકો નીકળ્યો હતો
નોંધનીય છે કે, અગાઉ જામનગરમાં એક ગ્રાહકે પ્રોવિઝન સ્ટોરમાંથી બાલાજી ક્રન્ચ નામની વેફર ખરીદી હતી. જોકે વેફરનું પેકેટ તોડ્યા બાદ બાળકી વેફર ખાઈ રહી હતી, ત્યારે અચાનક અંદરથી મરેલો દેડકો નીકળ્યો હતો. જે બાદ ગ્રાહકે દુકાનદારનું ધ્યાન દોર્યું હતું. પરંતુ દુકાનદારે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાણ કરવાનું કહેવા ગ્રાહકે બાલાજી વેફર્સના ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેણે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. આથી પાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વેફર્સના પેકેટને સીલ કર્યું હતું. ફૂડ શાખા દ્વારા વેફરના વિવિધ નમૂના લઈને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.
શું આ મામલાની થશે તપાસ?
આ ખરેખર પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો હોય તો આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. આ પ્રકારનું ફૂડનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ શકે છે. એક બાજુ કોઈ હોટલ કે રેસ્ટોરાંમાં જીવાત આવે તો જે તે શહેરના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરીને સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે શું મોટી કંપની સામે બેદરકારીના સવાલો જે થઈ રહ્યા છે તેને લઈને ફૂડ શાખા હરકતમાં આવીને તપાસ કરશે? અને જો કોઈ બેદરકારી સામે આવે તો મોટા પગલાં ભરશે કે કેમ?
ADVERTISEMENT