Rajkot Fire News Update: 25 મે 2024ની સાંજ રાજકોટવાસીઓ હજુ પણ ભૂલી શક્યા નથી. કારણ કે રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. વેકશનની મજા માણવા માટે આવેલા બાળકો, તેમના માતા-પિતા સહિત ગેમઝોનના કર્મચારીઓ કુલ 27 લોકો આ દુર્ઘટનામાં બળીને ભડથું થઈ ગયા હતા. આ દુર્ઘટનાને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં મૃતકોના સ્વજનોની આંખોમાંથી આંસુ સૂકાય રહ્યા નથી. ત્યારે આજે રાજકોટમાંથી સામે આવેલા એક બનાવ વિશે જાણીને તમારી આંખો પણ ભરાઈ આવશે. વાસ્તવમાં અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દીકરાની યાદમાં માતાએ દીકરાની રાખ સાહિમાં ભેળવીને તેની તસવીર પોતાના હાથમાં ચિતરાવી છે.
ADVERTISEMENT
12 વર્ષીય રાજભાનું થયું હતું નિધન
રાજકોટના નિર્મલા રોડ પર રહેતા રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉં.વ 12) તેમના મામા, માસા-માસી, તેમના દીકરા-દીકરી સહિત 10 જેટલા લોકો સાથે 25 મે 2024ના રોજ ટીઆરપી ગેમ ઝોન ખાતે ગેમ રમવા માટે ગયા હતા. ઘરેથી હસતા મોઢે નીકળેલ રાજભા ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું.
5 લોકોના નિપજ્યાં હતા મોત
જ્યારે ગેમઝોનમાં તેઓ ઉપરના માળે ટ્રેમ્પોલિંગ ગેમ રમતાં હતાં. ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં રાજભાની સાથે સાથે તેમના મામા ઓમદેવસિંહ ગોહિલ, માસા વિરેન્દ્રસિંહ જાડેજા, માસાનો દીકરો ભાઈ ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, માસાની ભત્રીજી દેવાંશીબા હિતેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
માતા-પિતાની આંખમાં સુકાઈ રહ્યા નથી આંસુ
ત્યારે હજુ પણ રાજભા ચૌહાણના માતા-પિતાની આંખમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી. તેઓ પોતાના લાડકવાયાને યાદ કરીને રડી રહ્યા છે. મૃતક રાજભા ચૌહાણના માતાએ પોતાના દીકરાની યાદ હાથમાં કંડારી છે.
દીકરાનું ટેટૂ બનાવડાવ્યું
દીકરાની યાદ કાયમ તેમના હાથમાં સાથે રહે તે માટે ખાસ ટેટૂ તૈયાર કરાવ્યું છે. અહીં સૌથી ખાસ વાત એ છે કે તેમણે શાહીમાં પોતાના લાડકવાયાની અસ્થિની રાખ ભેળવીને ટેટૂ ચિતરાવ્યું છે. ટેટૂ આર્ટિસ્ટે પણ પોતાની લાઈફમાં આ મુજબનું ટેટૂ પહેલીવાર બનાવ્યું છે.
ADVERTISEMENT