NEET Paper Leak Investigation: NEETની પરીક્ષામાં પેપર લીક મુદ્દે દેશભરમાં હોબાળો મચ્યો છે. એક બાજુ બિહારમાં આ મામલે તપાસ ચાલી રહી છે, બીજી તરફ ગુજરાત સરકારે કેસની તપાસ CBIને કરી દીધી છે. ત્યારે આજે CBIની ટીમે પેપર લીકની તપાસ મામલે ગુજરાતમાં ધામા નાખ્યા છે. CBIની ટીમ ગોધરામાં પહોંચી હતી અને પેપર લીક મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
CBIના અધિકારીઓના ગોધરામાં ધામા
CBIના 5 જેટલા અધિકારીઓ આજે ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને આ મામલે પૂછપરછ શરૂ કરી છે. પંચમહાલના જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. હાલમાં સમગ્ર કેસ CBIને હેન્ડઓવર કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે CBIની તપાસમાં જોવાનું રહેશે કે પેપર લીક મામલે તપાસ દરમિયાન શું મોટા ખુલાસાઓ થાય છે.
રાજ્ય સરકારે CBIને કેસ ટ્રાન્સફર કર્યો છે
પરીક્ષામાં ગેરરીતિ અંગે ગોધરા પોલીસ સ્ટેશનમાં 8 મે 2024ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે વિસ્તૃત તપાસ થાય તેવા હેતુથી રાજ્ય સરકારે સમગ્ર કેસ CBIને ટ્રાન્સફર કર્યો હતો. આ અંગે ગૃહ વિભાગે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું.
10 લાખ લઈને પરીક્ષામાં કરાઈ હતી ગેરરીતિ
NEET UG 2024ની પરીક્ષા 5મી મે 2024ના રોજ લેવાઈ હતી. પરીક્ષા બાદ ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. ગોધરાની જય જલારામ સ્કૂલમાં પરીક્ષાના આયોજનમાં ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. 10 લાખ રૂપિયા લઈને પરીક્ષામાં પાસ કરાવાનો પર્દાફાશ થયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ જ શાળાના શિક્ષક, સેન્ટરના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ સહિત 3 સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર કેસની તપાસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT