Navsari News: નવસારીના બીલીમોરાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બીલીમોરાના વખારીયા રોડ પાસે ખુલ્લી ગટરમાં ખબકેલી 6 વર્ષની માસુમ બાળકી શાહિન શેખનો 22 કલાકની ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો છે. ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીનો મૃતદેહ અંબિકા નદીમાંથી મળી આવ્યો છે. જે બાદ બાળકીના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માતા-પિતાની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.
ADVERTISEMENT
6 વર્ષની બાળકીની હાથ ધરાઈ હતી શોધખોળ
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ગઈકાલે ભારે વરસાદ બાદ રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. આ દરમિયાન બીલીમોરાના વખારીયા રોડ પર આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 6 વર્ષની માસુમ બાળકી શાહિન શેખ લાપતા થતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
સીસીટીવી આવ્યા હતા સામે
જે સીસીટીવી ચકાસતા બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આ અંગેની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી.
ફાયરની ટીમે હાથ ધરી હતી શોધખોળ
બીલીમોરા શહેરના ગટરની પાઈપ લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવતા ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાની ટીમે નદીમાં શોધખોળ હાથ ધરી હતી. રાત્રે 10 વાગ્યા પછી ફરી ભારે વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.
22 કલાકે મળ્યો મૃતદેહ
જે બાદ આજે વહેલી સવારથી ફરી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 22 કલાકની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જે બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બીલીમોરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સ્થાનિકોએ કર્યા ગંભીર આક્ષેપ
આ મામલે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, વરસાદી પાણીનો સહેલાઈથી નિકાલ થાય તે માટે પાલિકા દ્વારા ખાડો ખોદી આ ગટરને ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અહીં કોઈ બોર્ડ પણ મારવામાં આવ્યું નથી. જેના કારણે આ માસુમ બાળકીનું મૃત્યુ થયું છે,.
ADVERTISEMENT