Vadodara Murder News : ગતરાત્રે (20 જૂન) વડોદરાના હરણી-ફતેપુરા લિંક રોડ પર રૂપમ સિનેમા નજીક બીજા લગ્ન મુદ્દે અબ્દુલસાજીદ શેખ ઉર્ફે ચંદુ નામના યુવકની ઘાતકી હત્યા થઇ છે. પોલીસે આ મામલે 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા ચંદુ નામના યુવકને આપેલી ધમકી સાચી પડી હોવાની ઘટના સામે આવી છે. યુવકને બકરી ઈદ બાદ તને બકરાની જેમ હલાલ કરીશું તેવી ધમકી અપાઈ હતી. ત્યારે હવે ધમકી બાદ યુવકની હત્યા કરી દેવાઈ છે. જૂની આદવતમાં ખૂની ખેલ ખેલાયો હોવાની વાત સામે આવી રહી છે. વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાંથી કામ અર્થે બહાર નિકળેલા યુવકને જાહેરમાં જ રહેંસી નાંખવામાં આવ્યો છે. બનાવ બાદ યુવકને સયાજી હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકે બીજા લગ્ન કર્યા બાદ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો તેના ભાઇએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
'મિત્રનો ફોન આવ્યો કે, ભાઈને કોઈ ચપ્પુ માર્યું છે...'
વડોદરાના કુંભારવાડા પોલીસ મથકમાં મૃતકના ભાઈ અબ્દુલસિરાજ મોહમ્મદસુલેમાન શેખ (રહે. સયાજીનગર ઝુપડપટ્ટી, તુલસીવાડી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 20 જુનના રોજ તેમનો ભાઇ અબ્દુલસાજીદ ઉર્ફે ચંદુ ઘરેથી રાત્રીના 9 વાગ્યે તેના ટુ વ્હીલર પર કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેઓ ઘરે હતા. તેવામાં પોણા 11 વાગ્યે મિત્ર આરીફનો ફોન આવ્યો અને જણાવ્યું કે, ભાઇ ચંદુને શેલ પેટ્રોલ પંપ આગળ રોડ પર કોઇએ ચપ્પુ માર્યું છે. જેથી તેઓ તાત્કાલીક સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર લોકટોળા ભેગા થયેલા હતા. તેના ભાઇને મારનારાઓ સ્થળ પરથી ફરાર હતા. અને ભાઇને ગળા, હાથ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. તેનું ઘણુબધુ લોહી વહી ગયું હતું.
સીસીટીવી ફૂટેજના આધારે થયો ખુલાસો
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ પોલીસે બતાવતા ભાઇ અબ્દુલ સાજીદ પેટ્રોલ પંપ આગળ 10 વાગ્યાના આરસામાં યુસુફભાઇ ઉર્ફે ચીડી સાથે ઉભો હતો. તે વખતે અવેશ ઉર્ફે ઉવેશ કાસમભાઇ શેખ, જીલાની કાસમભાઇ શેખ, ઉમર કાસમભાઇ શેખ (ત્રણેય રહે. ગેંડા ફળિયા, હાથીખાના) અને રીયાજ (રહે. નાબલબંદવાળા, વાડી) એ ટુ વ્હીલર પર આવીને અબ્દુલ સાજીદને પાડી દઇ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. અને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
મૃતકે થોડા દિવસ પહેલા જ કર્યા હતા બીજા લગ્ન
હત્યાના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જ્યાર બાદમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને સાજીદની હત્યા તેના જ કોઇ નિકટના લોકોએ કરી હોવાનું સામે આવી રહ્યું છે. કારણકે, મૃતક સાજીદે થોડા દિવસો પહેલા જ બીજા લગ્ન કર્યા હતા. જેથી હવે આ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT