Hathras Stampede Accident: ઉત્તર પ્રદેશનું હાથરસ (Hathras) ફરી એકવાર ચર્ચામાં છે. હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડી મચી જતાં અત્યાર સુધીમાં 121 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં 108 મહિલાઓ અને 7 બાળકો સામે છે. આ સત્સંગનું આયોજન નારાયણ સાકાર હરિ ઉર્ફે સાકાર વિશ્વ હરિ અને ભોલે બાબા દ્વારા કરાવ્યું હતું.
ADVERTISEMENT
2.5 લાખથી વધુ લોકો હતા હાજર
આ દુર્ઘટના હાથરસના સિકંદરારાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગામમાં સર્જાઈ હતી. નારાયણ સાકર હરિની લોકપ્રિયતા એટલી છે કે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનો સત્સંગ સાંભળવા માટે લગભગ 2.5 લાખથી વધુ લોકોની ભીડ ઉમટી પડી હતી. સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જતાં અત્યાર સુધીમાં 121 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 100થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલાની તપાસ કરવા માટે અત્યાર સુધીમાં 22 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિંકદરારાઉ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે.
FIRમાં બાબાનું નામ જ નહીં!
મળતી માહિતી અનુસાર, આયોજકોને 80 હજાર લોકોને એકઠા કરવાની મંજૂરી હતી, પરંતુ 2.50 લાખથી વધુ લોકો એક્ઠા થઈ ગયા હતા. આ કેસ બ્રિજેશ પાંડે નામના શખ્સ દ્વારા નોંધાવવામાં આવ્યો છે. જોકે, અહીં સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ FIRમાં ભોલે બાબાનું નામ જ નથી. તેમના સેવક દેવપ્રકાશ મધુકર અને અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
CM યોગી આદિત્યનાથ પહોંચશે હાથરસ
તમને જણાવી દઈએ કે, આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 105, 110, 126(2), 238 અને 223 લાગુ કરવામાં આવી છે. ડીજીપી પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ મનોજ સિંહે ફોન દ્વારા સીએમ યોગી આદિત્યનાથને આ મામલાની જાણકારી આપી હતી. બંને વરિષ્ઠ અધિકારીઓએ ઘટના અંગે રિપોર્ટ તૈયાર કર્યો છે. જે આજે મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવશે. બીજી તરફ અકસ્માતના એક દિવસ બાદ આજે સીએમ યોગી હાથરસ પહોંચશે.
સેવકોએ લાકડીઓથી શ્રદ્ધાળુઓને માર્યો માર
પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય સેવક દેવપ્રકાશ મધુકર અને અન્ય સેવકો ભોલે બાબાના સત્સંગના આયોજકો હતા. આ જ સંસ્થાના અગાઉના કાર્યક્રમોમાં ભેગી થયેલી લાખોની ભીડને છુપાવીને આયોજકે આ કાર્યક્રમમાં લગભગ 80 હજાર લોકોની ભીડ એકત્ર કરવાની પરવાનગી માંગી હતી. જે મુજબ પોલીસ મેનેજમેન્ટ દ્વારા ટ્રાફિક અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યક્રમમાં 80 હજારથી વધુ લોકોની ભીડ ઉમટી હતી. આ પછી જ્યારે ભોલે બાબા પોતાની કારમાં સ્થળ પર પહોંચ્યા ત્યારે લોકો તેમના આશીર્વાદ લેવા તેમની પાછળ દોડવા લાગ્યા. આ દરમિયાન ત્યાં હાજર સેવકોએ શ્રદ્ધાળુઓને ડંડા વડે માર માર્યો હતો અને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાગદોડ મચી હતી અને અનેક ભક્તો દબાઈ ગયા હતા.
પુરાવા છુપાવા સેવકોએ રચ્યો પ્લાન
એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે, દુર્ઘટના બાદ આયોજકો તરફથી કોઈ મદદ ન મળી. આવી સ્થિતિમાં પોલીસ પ્રશાસને મર્યાદિત સાધનો સાથે લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં વ્યસ્ત રહ્યું. દુર્ઘટના બાદ આયોજકો અને સેવકોએ સાથે મળીને સ્થળ પરથી પુરાવા નાસ કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ વેરવિખેર પડેલા ચપ્પલ અને અન્ય વસ્તુઓને નજીકના ખેતરોમાં ફેંકી દીધી હતી જેથી પુરાવા છુપાવી શકાય.
ADVERTISEMENT