UK Election Results : યુકેની ચૂંટણીમાં મત ગણતરી ચાલુ છે, પરંતુ ચિત્ર લગભગ સ્પષ્ટ છે. લેબર પાર્ટી જંગી બહુમતી સાથે બ્રિટનમાં સત્તા કબજે કરવા જઈ રહી છે અને લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મર બ્રિટનના નવા વડાપ્રધાન બની શકે છે. વર્તમાન પીએમ ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી લીધી છે. તેણે કીર સ્ટાર્મરને તેની જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
ADVERTISEMENT
ઋષિ સુનકે હારની જવાબદારી લીધી હતી
અત્યાર સુધી લેબર પાર્ટીએ 300થી વધુ સીટો જીતી છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 81 બેઠકો મળી હતી. ચૂંટણી પરિણામો પર પોતાના સંસદીય ક્ષેત્ર રિચમન્ડ અને નોર્ધન એલર્ટનમાં સમર્થકોને સંબોધતા ઋષિ સુનકે કહ્યું, 'હું માફી માંગુ છું અને આ હારની જવાબદારી લઉં છું.' ઋષિ સુનકે કહ્યું કે 'લેબર પાર્ટીએ આ ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટાર્મરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો હતો. આજે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તાનું ટ્રાન્સફર થશે.
સુનકે કહ્યું કે, 'હું ઘણા સારા, મહેનતુ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારોની હારની જવાબદારી લઉં છું, જેઓ તેમના પ્રયાસો, તેમના સ્થાનિક રેકોર્ડ્સ અને તેમના સમુદાયો પ્રત્યેના સમર્પણ છતાં આજે રાત્રે હાર્યા હતા. હું આનાથી દુઃખી છું. મેં વડાપ્રધાન તરીકે મારા સો ટકા આપવાનો પ્રયાસ કર્યો. હું હવે લંડન જઈશ, જ્યાં હું વડાપ્રધાન પદ છોડતા પહેલા આજે રાત્રે પરિણામ વિશે વધુ જણાવીશ.'
કીર સ્ટાર્મરે કહ્યું - લોકો પરિવર્તન ઈચ્છે છે
બ્રિટનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મેરે ચૂંટણી પરિણામો માટે મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, 'દેશના લોકો પરિવર્તન માટે તૈયાર છે અને તેમણે દેખાડાની રાજનીતિનો અંત લાવવા માટે મતદાન કર્યું છે.' હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ બેઠકો જીત્યા પછી તેમના વિજય ભાષણમાં, 61 વર્ષીય સ્ટારમેરે કહ્યું કે, 'લોકોએ તેમને મત આપ્યા કે નહીં, હું આ મતવિસ્તારના દરેક વ્યક્તિની સેવા કરીશ. હું તમારા માટે બોલીશ, તમને ટેકો આપીશ, તમારી લડાઈઓ દરરોજ લડીશ. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા ભાગનું કામ કરીએ.'
ADVERTISEMENT