'યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો' વડોદરાના કોર્પોરેટરે કરી માંગ

Gujarat Tak

16 Jun 2024 (अपडेटेड: Jun 16 2024 5:16 PM)

Yusuf Pathan News: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને TMCના બહેરાપુરના લોકસભાના સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી.

MP Yusuf Pathan

યુસુફ પઠાણની વધી મુશ્કેલી

follow google news

Yusuf Pathan News: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને TMCના બહેરાપુરના લોકસભાના સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. વડોદરાના તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટ પર કથિત દબાણનો મામલો આજે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ઉછળ્યો હતો અને યુસુફ પઠાણની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે, હાલમાં વડોદરા મહાનગરપાલિકાએ યુસુફ પઠાણને આ દબાણ હટાવવાની નોટિસ આપી છે અને 7 દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો

નિતીન દોંગાએ કરી માંગ

આ મામલે ભાજપના કોર્પોરેટર નિતીન દોંગાએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા કોર્પોરેશનને ધ્યાને આવ્યું હતું કે  પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. સાથે જ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે દાખલ કરેલા એફિડેવિટમાં તેમણે આ પ્લોટ પોતાનો દર્શાવ્યો હતો. જો આ હકીકત હોય તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે તેવી મારી માંગણી છે. 

શું છે સમગ્ર મામલો?

વડોદરાના તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલો ટી.પી સ્કીન નં.22નો રહેણાંક હેતુ ધરાવતો 978 મીટરનો પ્લોટ નં.90 યુસુફ પઠાણે ખરીદવા માટે 2012માં માંગ કરી હતી. આ અંગે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જોકે, 2014માં શહેરી વિકાસ વિભાગે દરખાસ્તને નામંજૂર કરી હતી અને આ જમીન યુસુફ પઠાણને નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ જમીન પર બગીચો અને તબેલો યુસુફ પઠાણ દ્વારા બનાવાયો છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોર્પોરેશને નોટિસ મોકલી 

આ અંગે હવે પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા 11 જૂનના રોજ પત્ર લખીને સ્થાયી સમિતીને તપાસ કરવા કહેવાયું હતું. જોકે વિગતો મળી રહી છે કે 6 જૂનના રોજ પાલિકા દ્વારા યુસુફ પઠાણને પહેલાથી જ નોટિસ આપવામાં આવી છે અને પ્લોટ ખાલી કરીને દબાણ દૂર કરવા માટે કહેવાયું છે. જો યુસુફ પઠાણ દ્વારા નોટિસ મુજબ પાલન કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 


ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા

    follow whatsapp