Botad News: બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે. આજે આ બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખો-ઉપપ્રમુખો, નગરપાલિકા-મહાનગર પાલિકાના પ્રમુખો-મેયરો હાજર છે. આજે મળેલી આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી સી.આર પાટીલે હાઈકમાન્ડને મોટી રજૂઆત કરી છે.
ADVERTISEMENT
સી.આર પાટીલે હાઈકમાન્ડને કરી રજૂઆત
આજની કારોબારી બેઠકમાં સી.આર પાટીલે હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે 'મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો' સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર પાટીલે કહ્યું કે, મારો કાર્યકાળ પૂર્ણ થયો છે અને પાર્ટીના 'એક વ્યક્તિ એક હોદ્દા'ની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી અન્ય કોઈને સોંપવામાં આવે. નોંધનીય છે નવસારીથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ હવે સી.આર પાટીલને દિલ્હી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે.
સંબોધનમાં સી.આર પાટીલે માંગી માફી
આ પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કારોબારી બેઠકમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટિકિટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કારોબારી બેઠકમાં કહ્યું આપણી કોઈ કચાશ રહી. જેના કારણે આપણને એક સીટ ગુમાવવામાનો વારો આવ્યો છે. આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો.
પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગી કરાશે!
સૂત્રોના જણાવ્યા અનુસાર, સાળંગપુર ખાતે ચાલી રહેલી કારોબારીની બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા થઇ શકે છે. આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગી કરવામાં આવી શકે છે. સી.આર પાટીલના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે? તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે કેટલાક જૂના જોગીઓના નામ ચર્ચાય રહ્યા છે. જેમાં આ વખતે કેબિનેટ મંત્રીમાંથી પત્તું કપાયેલ દેવુસિંહ ચૌહાણ, ગોરધન ઝડફિયા, રજની પટેલ, જગદીશ પંચાલ, પ્રદીપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનું નામ રેસમાં સામેલ છે. એક થિયરી પણ સામે આવી છે કે, ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે.
ADVERTISEMENT