પાવાગઢ વિવાદ : જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત થવા અને હટાવવા મામલે ફરિયાદ દાખલ, ટ્રસ્ટે કર્યો ખુલાસો

Gujarat Tak

17 Jun 2024 (अपडेटेड: Jun 17 2024 9:46 PM)

પાવાગઢ ડુંગરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ ભગવાનની પ્રતિમાઓને ખંડિત કરીને હટાવી લેવા મામલે વિવાદ સર્જાયો છે. 

Pavagadh Jain Tirthankar idol

પાવાગઢ જૈન તીર્થંકર પ્રતિમા

follow google news

Pavagadh Jain statues row : પાવાગઢ ડુંગરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ ભગવાનની પ્રતિમાઓને ખંડિત કરીને હટાવી લેવા મામલે વિવાદ સર્જાયો છે. પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા દાદર અને મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મૂર્તિઓ કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં આક્રોશ છે. બીજી તરફ ટ્રસ્ટનું કહેવું છે કે, મુર્તિનો પથ્થર ખુબ નબળી હોવાથી કારીગરથી તૂટી ગઈ છે. આ વચ્ચે હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે. યાત્રાધામ પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ તોડવા મામલે રાજ્યભરમાં જૈન સમાજના વિરોધ બાદ અંતે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

આ પણ વાંચો

અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ

જૈન તીર્થંકરની મૂર્તિ તોડવા મામલે અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. સૌથી મોટો સવાલ એ છે કે પાવાગઢના જૂના દાદરની શરૂઆતમાં બનેલી જૈન મૂર્તિઓને કોઈ અજાણ્યા લોકોએ તોડી તો કોઈને જાણ કેમ ન થઈ. સમગ્ર ગુજરાતમાં જૈન સમાજમાં આક્રોશના માહોલ બાદ અંતે અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

દોષિતો સામે કડક પગલાં લેવાશે : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પાવાગઢમાં મૂર્તિને પૂનઃસ્થાપિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. આ કેસની તપાસ પંચમહાલ DSPને સોંપી દેવામાં આવી છે. દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.

સમાધાનની વાત અફવા : જૈન મુનિ

જૈન સમાજના અગ્રણીઓની મિટિંગમા આ મામલે સુખદ સમાધાન થઈ ગયું છે. ટ્રસ્ટ દ્વારા ખંડિત મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની બાંહેધરી અપાઈ છે. આવા સમાચારો વચ્ચે જૈન મુનિ જિનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે આ વાતને અફવા ગણાવી છે. તેમણે કહ્યું હતું કે, સમાચારમાં ચાલી રહ્યું છે કે બધુ બરાબર પતી ગયું છે અને સમાધાન થઈ ગયું છે. તો જણાવી દઈએ કે હજુ તો અમે શરૂઆત કરી છે. અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલી જ રહે છે. અમારી માંગણી છે કે જે જમીન છે તે જૈન સંઘને આપવામાં આવે. તેની બધી જ વ્યવસ્થાના અધિકારી જૈન સંઘને આપવામાં આવે અને ગુનેગારો સામે FIR થાય, ધરપકડ થાય, સજા થાય.

જિનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું કે, અફવાની અંદર કોઈએ પણ આવવાની જરૂર નથી. શાંતિપૂર્ણ અહિંસક આંદોલન, મૌન પૂર્વક, જાપ પૂર્વક ચાલું રહેશે. જૈન સમાજને વિનંતી છે કે જ્યાં સુધી ગુરૂભગવંતો જાહેર ન કરે ત્યાં સુધી કોઈપણ ગેરસમજમાં આવવાની જરૂર નથી.

આ જાણી જોઈને કરવામાં આવ્યું નથીઃ ટ્રસ્ટી

તો આ મામલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું કે, એક જ મૂર્તિ ખંડિત થઈ છે. આ જાણી જોઈને કરવામાં આવ્યું નથી. પથ્થર નબળો હોવાથી મૂર્તિ કાઢતા સમયે ખંડિત થઈ છે. આ વિશે મેં કારીગરને પૂછ્યું કે આ મૂર્તિ કેમ તૂટી ગઈ. તો તેણે કહ્યું કે આ મૂર્તિ નબળી હતી માટે તૂટી ગઈ છે. આ બધી મૂર્તિઓ પુજાતી પણ ન હતી. જો આ મૂર્તિ સ્થાપિત કરવી હશે તો અમે આપી દઈશું.

આ મામલો હાઈકોર્ટમાં લઈ જવાશેઃ જૈન અગ્રણી

જૈન અગ્રણીનો આક્ષેપ છે કે, મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સારી વાત છે પણ કોઈના ઈશારે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. અન્ય એક જૈન અગ્રણીએ કહ્યું કે, આ મામલો હાઇકોર્ટમાં લઇ જવાશે. દરેક શહેરમાં જૈનચાર્યો કલેક્ટરને મળીને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરશે. જ્યાં સુધી મૂર્તિઓ પુનઃ સ્થાપિત નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

નવસારીમાં અધિક કલેક્ટરને અપાયું આવેદનપત્ર

આજે નવસારીમાં જૈન સંઘના અગ્રણીઓ જિલ્લા કલેકટરના ઘરે રજૂઆત કરવા ગયા હતા. જ્યાં તેમણે અધિક કલેક્ટરને નીચે આવીને આવેદનપત્ર સ્વિકારવાનું કહ્યું હતું. જોકે, અધિક કલેક્ટરે પ્રોટોકેલ પ્રમાણે ઉપર આવેદનપત્ર આપે તેવું કહ્યું હતું. જે બાદ જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. જોકે, થોડા સમય બાદ જૈન સમાજે ઉપર જઇને આવેદનપત્ર આપતાં જિલ્લા અધિક કલેક્ટરે આવેદનપત્ર સ્વિકાર્યું હતું.

જૈન સમાજની માંગ શું છે?

આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આ મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની જૈન સમાજની માંગણી છે. જૈન સમાજની મુખ્ય માંગણીઓ છે કે મૂર્તિ ખંડિત કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરાં પગલાં ભરવામાં આવે, દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઊભી કરી સમાજને સુપરત કરે, આજથી જ જીર્ણોદ્ધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે.

    follow whatsapp