Pavagadh News : પાવાગઢ ખાતે આવેલા પૌરાણિક જૈન તીર્થકરોની મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગુજરાતમાં ઠેર-ઠેર આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સમાચારમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે જૈન સમાજના અગ્રણીઓની મિટિંગમા આ મામલે સુખદ સમાધાન થઈ ગયું છે. ટ્રસ્ટ દ્વારા ખંડિત મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની બાંહેધરી અપાઈ છે. સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે તેવું આશ્વાશન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જૈન મુની જિનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે સમાધાનની વાતને અફવા ગણાવી છે.
ADVERTISEMENT
હજુ તો અમે શરૂઆત કરી છે: જૈન મુની
તેમણે જણાવ્યું કે, સમાચારમાં ચાલી રહ્યું છે કે બધુ બરાબર પતી ગયું છે અને સમાધાન થઈ ગયું છે. તો જણાવી દઈએ કે હજુ તો અમે શરૂઆત કરી છે. અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલી જ રહે છે. અમારી માંગણી છે કે જે જમીન છે તે જૈન સંઘને આપવામાં આવે. તેની બધી જ વ્યવસ્થાના અધિકારી જૈન સંઘને આપવામાં આવે અને ગુનેગારો સામે FIR થાય, ધરપકડ થાય, સજા થાય.
'અહિંસક આંદોલન ચાલું રહેશે'
જિનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું કે, અફવાની અંદર કોઈએ પણ આવવાની જરૂર નથી. શાંતિપૂર્ણ અહિંસક આંદોલન, મૌન પૂર્વક, જાપ પૂર્વક ચાલું રહેશે. જૈન સમાજને વિનંતી છે કે જ્યાં સુધી ગુરૂભગવંતો જાહેર ન કરે ત્યાં સુધી કોઈપણ ગેરસમજમાં આવવાની જરૂર નથી.
આ જાણી જોઈએને કરવામાં આવ્યું નથીઃ ટ્રસ્ટી
તો આ મામલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું કે, 'એક જ મૂર્તિ ખંડિત થઈ છે. આ જાણી જોઈને કરવામાં આવ્યું નથી. પથ્થર નબળો હોવાથી મૂર્તિ કાઢતા સમયે ખંડિત થઈ છે. આ વિશે મેં કારીગરને પૂછ્યું કે આ મૂર્તિ કેમ તૂટી ગઈ. તો તેણે કહ્યું કે આ મૂર્તિ નબળી હતી માટે તૂટી ગઈ છે. આ બધી મૂર્તિઓ પુજાતી પણ ન હતી. જો આ મૂર્તિ સ્થાપિત કરવી હશે તો અમે આપી દઈશું.'
આ મામલો હાઈકોર્ટમાં લઈ જવાશેઃ જૈન અગ્રણી
જૈન અગ્રણીનો આક્ષેપ છે કે, મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સારી વાત છે પણ કોઈના ઈશારે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને, ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. અન્ય એક જૈન અગ્રણીએ કહ્યું કે, આ મામલો હાઇકોર્ટમાં લઇ જવાશે. દરેક શહેરમાં જૈનચાર્યો કલેક્ટરને મળીને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરશે. જ્યાં સુધી મૂર્તિઓ પુનઃ સ્થાપિત નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
શું છે સમગ્ર મામલો?
પાવાગઢ ધામ એ મુખ્યત્વે મહાકાળી માતાનું મંદિર માનવામાં આવે છે અને તે આસ્થાનું કેન્દ્ર છે. આ સાથે યાત્રાધામ પાવાગઢમાં જૈનોના આસ્થાના કેન્દ્ર સમા ભગવાન નેમિનાથ સહિત તીર્થકરોની મૂર્તિઓ આવેલી છે. પાવગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે, તેની બંને બાજુ ગોખલાઓમાં 22મા તીર્થકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષોથી સ્થાપિત છે. જૈનો ત્યાં દરરોજ સેવા પૂજા માટે જાય છે. તો જૈન શ્રદ્ધાળુઓ તેના દર્શન માટે જાય છે.
જૈન સમાજની માંગ શું છે?
ત્યારે વિકાસના નામે જૈન તીર્થકરોની મૂર્તિઓ ખંડિત કરીને ઉખાડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આ મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની જૈન સમાજની માંગણી છે. જૈન સમાજની મુખ્ય માંગણીઓ છે કે મૂર્તિ ખંડિત કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરાં પગલાં ભરવામાં આવે, દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઊભી કરી સમાજને સુપરત કરે, આજથી જ જીર્ણોદ્ધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે.
ADVERTISEMENT