Rajkot Game Zone update: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની એ આગ હજુ લોકોના મનમાં ભળકી રહી છે. આ મામલે તંત્રએ ફાયર સહિતના વિભાગના જવાબદારો પગલાં લીધા હતા અને હજુ તેમની તપાસ ચાલી રહી છે. એવામાં તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. RMC ના ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા બાદ હવે તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠીયા સામે ACB એ ફરિયાદ નોંધી છે. ACBએ તેમની અપ્રમાણસર મિલકતના આધારે ફરિયાદ દાખલ કરી છે. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો છે.
ADVERTISEMENT
70 હજાર પગાર અને મિલકત 10.55 કરોડની
રાજકોટના તત્કાલીન TPO મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. એન્ટીકરપ્શન બ્યુરોએ વધુ એક ફરિયાદ દાખલ કરી સાગઠીયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જે તેની આવક કરતા 410 ટકા વધુ છે. એસીબીને જાણ થતાં તેમણે ગાળિયો કસ્યો છે. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. સાગઠીયા પાસેથી કરોડોની મિલકત મળી આવતા ચકચાર મચી ગયો છે.
સાગઠીયાએ કર્યો પુરાવાનો નાશ
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમના સ્પે. પી.પી તુષાર ગોકાણી કહ્યું કે, બનવાના 1 દિવસ બાદ અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓરીજનલ રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. આ માટે જાડેજા બંધુઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. સ્પે.પીપી તુષાર ગોકાણીએ કહ્યું, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી.સાગઠીયા દ્વારા ખોટી મિનિટસ બુક બનાવવામાં આવી હતી. અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા TRP ગેમ ઝોનની જગ્યાના બીજા માલિક અશોકસિંહ જાડેજાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતી વખતેની દલીલમાં સ્પેશિયલ પી.પીએ કોર્ટમાં ઉપરોક્ત બાબતો જજ સમક્ષ રજૂ કરી હતી.
(ઈનપુટ: રોનક મજેઠીયા)
ADVERTISEMENT