Manjrekar- Kohli: ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર ભારતની યાદગાર જીત બાદ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે હવે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન માંજરેકરે તે ખેલાડીનું નામ પણ જાહેર કર્યું છે જેને તેણે છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાનો નંબર 1 ક્રિકેટર ગણાવ્યો હતો. માંજરેકરે સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પ્રશંસા કરી અને કહ્યું કે 30 વર્ષીય બુમરાહ 'કેટલાક સમયથી ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ ખેલાડી રહ્યો છે.'
ADVERTISEMENT
વિરાટને લઈને માંજરેકરની પોસ્ટ
તમને જણાવી દઈએ કે બુમરાહ પાકિસ્તાન સામેની જીતનો હીરો હતો. આવી સ્થિતિમાં હવે માંજરેકરે કહ્યું કે, આ ખેલાડીની ચર્ચા હવે આખા દેશમાં થઈ રહી છે. કોમેન્ટેટર બનેલા માંજરેકરે સોશિયલ મીડિયા પર કોહલીનો ઉલ્લેખ કરતા ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. માંજરેકરે ટ્વિટર પર લખ્યું, "ભારતીય મીડિયા વિરાટ એન્ડ કંપની પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જસપ્રિત બુમરાહ શાંતિથી એકલા હાથે ભારત માટે મેચ જીતે છે. તે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમનો શ્રેષ્ઠ ખેલાડી છે." માંજરેકરની આ પોસ્ટ બાદ ફેન્સ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
અગાઉ રવિન્દ્ર જાડેજા પર કરી હતી કોમેન્ટ
આ પહેલીવાર નથી જ્યારે સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટર પર આ પ્રકારની કોમેન્ટ કરી હોય. આ પહેલા માંજરેકરે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, હું એવા ખેલાડીઓનો પ્રશંસક નથી જેઓ દરેક વિભાગમાં થોડું યોગદાન આપે છે. જોકે આ બાદ પણ માંજરેકરના નિવેદનની ભારે ટીકા થઈ હતી.
ન્યૂયોર્કમાં પાક સામે ભારતની બેટિંગ રહી ફ્લોપ
મેચની વાત કરીએ તો ઓપનિંગમાં આવેલો વિરાટ કોહલી ફરી ફ્લોપ રહ્યો હતો. કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે તેની કારકિર્દીમાં પ્રથમ વખત સિંગલ ડિજિટનો સ્કોર બનાવ્યો હતો. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોહલી પાકિસ્તાન સામે મેગા ઈવેન્ટમાં અડધી સદી ફટકાર્યા વિના આઉટ થયો હતો. ન્યૂયોર્કની મુશ્કેલ પિચ પર ભારતની બેટિંગ સંઘર્ષ કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું. સમગ્ર ટીમ 119 રન જ બનાવી શકી હતી.
બુમરાહની શાનદાર બોલિંગે અપાવી જીત
પાકિસ્તાનની બેટિંગ દરમિયાન એવું લાગી રહ્યું હતું કે ટીમ હારી જશે. પરંતુ બુમરાહે શાનદાર પુનરાગમન કર્યું અને ટીમ ઈન્ડિયાને છ રનથી જીત અપાવી અને ટીમ ઈન્ડિયાને સુપર 8માં પહોંચાડી. બુમરાહે ચાર ઓવરમાં 3-14ના પ્રભાવશાળી આંકડા સાથે પોતાનો સ્પેલ પૂરો કર્યો, જેમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની મોટી વિકેટ સામેલ હતી. તેણે મેચમાં પોતાના છેલ્લા બોલ પર ઈફ્તિખાર અહેમદને પણ આઉટ કર્યો હતો. બુમરાહે 24 બોલમાં 15 ડોટ બોલ ફેંક્યા હતા.
ADVERTISEMENT