Gujarat Rain: રાજ્યમાં વરસાદે એવી તબાહી મચાવી છે કે અનેક વિસ્તારો, ઘરો અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની મોસમ હવે અટકવાની નથી. માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં આફતના વરસાદે ઘણું નુકશાન કર્યું છે. મેધરાજા લોકો માટે કેવી રીતે મુસીબત બન્યા છે તેની ઝલક તમે નીચે જોઈ શકો છો.
ADVERTISEMENT
જૂનાગઢ
જૂનાગઢના માણાવદર પોરબંદર રોડ પર પૂરનું એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે તેમાં ચાર લોકો ફસાઈ ગયા હતા. કમર-ઊંડા પાણીમાં ડૂબેલા લોકો આગળ જવાની હિંમત કરી શક્યા ન હતા કારણ કે ચારેબાજુ પાણી દેખાઈ રહ્યું હતું, જ્યારે જિલ્લા વહીવટીતંત્રને સમાચાર મળ્યા, ત્યારે રાજ્ય આપત્તિ રાહત દળના જવાનો બચાવ બોટ સાથે સ્થળ પર પહોંચ્યા અને ચારેય લોકોને બચાવ્યા.
વડોદરા
ભારે વરસાદને કારણે ગુજરાતના વડોદરાના અકોટા સ્ટેડિયમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી એટલું ભરાઈ ગયું કે વિશ્વામિત્રી નદીમાંથી મગરો શહેરમાં ફરતા જોવા મળ્યા હતા. અડધું શહેર પૂરના પાણીમાં જળમગ્ન બની જતાં અનેક વિસ્તારોમાં અંધાટપટ છવાઇ ગયો હતો. હજારો પરિવાર દૂધ અને પાણી માટે ફાંફા મારતા જોવા મળ્યા હતા.
જામનગર
જામનગરની વધુ એક તસવીર જુઓ જેમાં ફાયરની ટીમે નવા ખુલેલા ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. નવાગામ ઘેડે વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોકોને મદદ કરી હતી. રહેણાંક વિસ્તારમાં પાણી એટલું ઝડપથી આવ્યું કે લોકોને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો. બાદમાં નાના બાળકોને સીડીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
કચ્છ
કચ્છમાં ભારે વરસાદને કારણે અબડાસાના કોઠાર અને માનપુરા ગામો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે હમીરસર તળાવ છલકાઈ ગયું છે. જેના કારણે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકોને પાણીની નજીક ન જવાની અપીલ કરવામાં આવી રહી છે.
દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. 24 કલાકમાં દ્વારકાના ખંભાળિયામાં 7.80 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે દ્વારકામાં જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
પંચમહાલ
યાત્રાધામ પાવાગઢ માં ડુંગર ઉપર ધોધમાર વરસાદ છે. પાવાગઢ માં રાત્રી દરમ્યાન ભારે વરસાદ થી ઘોડાપુર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજકોટ
ભારે વરસાદને પગલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની દિવાલ તૂટ્યાના દ્રશ્યો સામે આવ્યા
ખેડા
નડિયાદના મંજીપુરામાં શેઢી નદી ઓવરફ્લો થતાં ગૌશાળામાં ગાયો ફસાઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગૌશાળામાં 80 થી 90 ગાયો ફસાયેલી છે.
અત્યાર સુધીમાં 41,678 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 41,678 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં સૌથી વધુ 10218, નવસારીમાં 9500, સુરતમાં 3859, ખેડામાં 2729, આણંદમાં 2289, પોરબંદરમાં 2041, જામનગરમાં 1955 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
3 દિવસમાં 28 લોકોના મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ત્રણ દિવસમાં 28 લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત આણંદ જિલ્લામાં થયા છે.
જાણો ક્યાં કેટલા લોકોના મૃત્યુ
આણંદ 6, અમદાવાદ 4, ગાંધીનગર 2, ખેડા 2, મહિસાગર 2, દાહોદ 2, સુરેન્દ્રનગર 2, મોરબી 1, વડોદરા 1, ભરૂચ 1, જામનગર 1, અરવલ્લી 1, પંચમહાલ 1, ડાંગ 1 અને દેવભૂમિદ્વારકા 1 વ્યક્તિ ( આ આંકડા મીડિયા રિપોર્ટ પ્રમાણે છે, અમે આની પુષ્ટી કરતા નથી)
ADVERTISEMENT