કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાના વિજાપુરમાં આવેલા ખરોડ ગામે મંગળવારે રાત્રે જન્મદિવસ નિમિત્તે કેક કાપવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. એકાએક બનેલા બનાવને કારણે ગામમાં ચાલી રહેલા ગરબાના રંગમાં ભંગ પડ્યો હતો અને ભાગદોડ મચી ગઈ હતી. ઉશકેરાયેલા ટોળાએ પથ્થર મારો કરતા મામલો તંગ બન્યો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનોની તોડફોડ પણ કરી હતી.
ADVERTISEMENT
ગામમાં અચંબા ભરી સ્થિતિ
નવરાત્રી સમયે થયેલી માથાકૂટને કારણે બે અલગ અલગ જ્ઞાતિના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં બીજે દિવસે વહેલી સવારે એક જૂથે તોડફોડ અને પથ્થર મારો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. ગાડીઓના કાચ તોડવાની ઘટનાને પગલે ગામમાં વાતાવરણ વધુ બગડે તે પહેલા અહીં પોલીસ કાફલો દોડી ગયો હતો.
રાત્રિના સમયે કેક કાપતા યુવકોએ ચિચીયારીઓ પાડતા બોલાચાલી થઈ
આ અંગે લાડોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન.પી પરમારે જણાવ્યું હતું કે, ખરોડ ગામમાં રાત્રીના સમયે ઠાકોર જ્ઞાતિના યુવકોએ જન્મદિવસ નિમિત્તે ગામ વચ્ચે કેક કાપી રહ્યા હતા. તે સમયે યુવકોએ મચાવેલી ચિચીયારીઓ વચ્ચે લાઈટો ગઈ હતી. આ સમયે પટેલ જ્ઞાતિનું ટોળું અહીં પહોંચતા બોલાચાલી બાદ વાતાવરણ બગડ્યું હતું. વિજાપુર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
નવરાત્રી સમયે ગામમાં રાત્રિ સમયે બે જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણને પગલે ગામમાં વાતાવરણ વધુના ડહોળાય તે માટે સ્થાનિકની સાથે સાથે જિલ્લાની પોલીસ પણ ઉતારી દેવાઈ હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ADVERTISEMENT