Rajkot News: રાજકોટના ગોંડલ તાલુકામાં આવેલા ગુંદાસરા ગ્રામ પંચાયતના સરપંચ પર મકાનના બાંધકામમાં મંજૂરી આપવા માટે લાંચ માગવાના આરોપ લાગ્યા છે. સરપંચની કથિત ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ છે, જેમાં તેઓ ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા છે. આ અંગે ACB મોરબીએ સરપંચ સામે ગુનો નોંધ્યો છે અને નોટિસ પાઠવી છે. જોકે નોટિસ બાદ પણ સરપંચ બે-ત્રણ અઠવાડિયાથી ગામમાંથી જ ફરાર થઈ ગયા છે. જેના કારણે ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે પડ્યો છે.
ADVERTISEMENT
બાંધકામની મંજૂરી માટે 4000ની લાંચ માગી
વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના સરપંચની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ કથિત ઓડિયો ક્લિપમાં એક રવિભાઈ નામની વ્યક્તિ સરપંચને ફોન કરીને મકાનની પરમિશન માટે વાત કરે છે. જે દરમિયાન પરમિશન માટે સરપંચ રૂ.4000 આપવા માટે કહી રહ્યા છે. જ્યારે રવિ આ પૈસા શેના? તેમ પૂછે છે તો તેને કહેવામાં આવે છે કે આ પરમિશનના પૈસા છે. માર્કેટમાં આ જ રેટ ચાલે છે. જોકે રવિ પૈસા ઓછા કરવા માટે કહે છે, પરંતુ કથિત ઓડિયોમાં સરપંચ ટસના મસ થતા નથી અને પરા પૈસા આપવા પડશે તેમ કહે છે.
પોલીસની નોટિસ મળતા ગામમાંથી થયા ફરાર
ગ્રામ પંચાયતમાં મકાન,દુકાન, ઈન્ડસ્ટ્રીઝના બાંધકામની મંજૂરી માટે રૂપિયા ખંખેતા સરપંચના ઓડીયો સામે આવ્યા બાદ તેઓ ACBની ઝપેટમાં આવી ગયા છે. આ મામલે ACB મોરબીએ સરપંચ સામે રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે પણ સરપંચને સી.આર.પી.સી કલમ-41એ મુજબ નોટીસ પાઠવીને 31 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું હતું. જોકે ACBની ઝપેટમાં આવ્યા બાદથી જ ગુંદાસરા ગ્રામ પંચાયતના સરપંચ હસમુખભાઈ ઉર્ફે કાળુભાઈ ઠુંમર ફરાર થઈ ગયા છે. બે-ત્રણ અઠવાડિયાથી તેઓ ફરાર હોવાને કારણે ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે પડી ગયો છે. ગુંદાસરા ગ્રામ પંચાયતના ખોરંભે પડેલ વહીવટ સામે તાલુકા/જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો જાણે આંખ આડા કાન કરીને બેઠા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે નાણા ખંખેરતા સરપંચ સામે પંચાયત રાજના અધિકારીઓ કેમ ચૂપ છે?
સમગ્ર મામલે સાપર વેરાવળ એસોસિએશનના ઉપ પ્રમુખનું અમૃત ગઢીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, જ્યારે ઉદ્યોગ સ્થાપવામાં આવે ત્યારે પૈસાની માંગણી કરવામાં આવે છે, જ્યારે જમીન બિનખેતી કરાવવાની હોય, નકશા કરવાના હોય, બાંધકામની મંજૂરી લેવાની હોય ત્યારે તેમને એપ્રોચ કરવામાં આવે છે. આવું થઈ રહ્યું છે તે અયોગ્ય, સરપંચને સરપંચ બની સેવા કરવાની તક મળી છે, ત્યારે તેમને રાષ્ટ્ર હિતની વાત કરવી જોઈએ ન કે લાભ લેવો જોઈએ.
(રોનક મજીઠિયા, રાજકોટ)
ADVERTISEMENT