બાળકોને મોટા કરવા એ કોઈ સરળ કામ નથી. બાળકના જન્મ બાદ તેનો સારી રીતે ઉછેર કરવો અને તેને સારા સંસ્કાર આપવા ખૂબ જ મુશ્કેલ કામ છે.
એવું કહેવાય છે કે બાળકોનો ઉછેર કેવી રીતે થયો છે તે વાતની તેમના વ્યક્તિત્વ પર ઘણી અસર પડે છે.
બાળકોને સારા વ્યક્તિ બનાવવા માટે તેમને દુનિયાની તમામ વસ્તુઓ વિશે જાણકારી આપવી જોઈએ, તેમને સારી શિક્ષા અપાવવી દરેક માતા-પિતાનું કર્તવ્ય હોય છે.
કથાકાર અને મોટિવેશન સ્પીકર જયા કિશોરી ઘણીવાર માતા-પિતાએ બાળકોનું પાલન-પોષણ કેવી રીતે કરવું જોઈએ અને તેમને કેવા પ્રકારની શિક્ષા આપવી જોઈએ તેના વિશે જણાવે છે.
તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે માતા-પિતાએ બાળકો સાથે કેટલીક વાત શેર ન કરવી જોઈએ.
જયા કિશોરીએ જણાવ્યું કે, ઘણીવાર માતા-પિતા બાળકોની ભૂલ પર અન્ય સાથે સરખામણી કરે છે કે તમારા કરતા સારા તો નાના/મોટા ભાઈ/બહેન છે. અથવા તારાથી સારો તો તારો મિત્ર છે. આવા પ્રકારની સરખામણી ઘણી વાર બાળકોના નાજુક મન પર ઊંડી અસર કરે છે. બાળકનો આત્મવિશ્વાસ નબળો પડવા લાગે છે. તેથી બાળકોની સરખામણી બીજા સાથે ભૂલથી પણ ન કરો.
જયા કિશોરીએ જણાવ્યું કે, બાળકોની સામે માતા-પિતાએ ઝઘડો ન કરવો જોઈએ અને અપશબ્દો પણ ન બોલવા જોઈએ. કારણ કે બાળકો જેવું જોવે છે, તેવું શીખે છે.
તેઓનું કહેવું છે કે, બાળકોની સામે ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. જો તમે બાળકની સામે ખોટું બોલશો તો તે બાળકના મગજમાં બેસી જાય છે અને તેઓ પણ ખોટું બોલવામાં જરાય અચકાતા નથી.
જયા કિશોરીનું માનવું છે કે બાળકોને જો નાનપણથી જ સારું શિક્ષણ અને શીખ આપવામાં આવે તો તેઓ આગળ ચાલીને એક સારા સમાજનું નિર્માણ કરી શકશે.