Salman Khan ની પાછળ કેમ પડ્યા છે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર?
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સેલિબ્રિટીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું નામ ટોપ પર છે. આજે એટલે કે રવિવારે વહેલી સવારે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું.
બ્રાંદ્રા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે 2 બાઈક સવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જે બાદ તેમના ઘરની બહાર મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. અત્યાર સુધીમાં અનેકવાર સલમાન ખાનને ધમકી મળી ચૂકી છે.
સલમાન ખાનને વર્ષ 2022-2023માં એક બાદ એક જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ FIR નોંધી હતી.
વાસ્તવમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ખુલ્લેઆમ ઘણીવાર સલમાન ખાનને મારવાની ધમકી આપી ચૂક્યા છે. એક્ટરને ઘણીવાર ધમકીભર્યા કોલ, ઈમેલ અને લેટર મળી ચૂક્યા છે.
એક ઈન્ટરવ્યૂમાં પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બ્રારએ કહ્યું હતું કે તેની ગેંગ સલમાન ખાનને જરૂર મારશે. તેણે કહ્યું હતું કે તેને લોરેન્સ બિશ્નોઈએ જણાવ્યું હતું કે સલમાન ખાને હજુ સુધી માફી નથી માંગી.
લોરેન્સ બિશ્નોઈએ પણ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી કે સલમાન ખાનની હત્યા એ તેના જીવનનો સોથી મોટો ગોલ છે. બિશ્નોઈના જણાવ્યા અનુસાર, તેની પાછળનું કારણ એ છે કે સલમાન ખાન પર કાળા હરણના શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો.
બિશ્નોઈ સમુદાયમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. 1998માં સલમાન ખાન રાજસ્થાનમાં 'હમ સાથ-સાથ હૈ'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાં કાળા હરણનો શિકાર કર્યો હતો.
આ મામલે જોધપુરમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો. લુપ્ત થતાં જાનવરનો શિકાર કરવા મામલે સલમાન ખાનને 25 હજાર રૂપિયાનો દંડ અને 5 વર્ષની જેલની સજા સંભાળાવવામાં આવી હતી. પરંતુ બાદમાં તેમની સજાને ફગાવી દેવામાં આવી હતી.
જેથી લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને નફરત કરે છે. તે ઈચ્છે છે કે સલમાન ખાન આખા દેશની સામે માફી માંગે નહીં તો તે સલામાન ખાનને છોડશે નહીં.
જણાવી દઈએ કે, લોરેન્સ બિશ્નોઈ એક ખતરનાક ગેંગસ્ટર છે, જે હાલ સાબરમતી જેલમાં બંધ છે. તો ગોલ્ડી હાલ કેનેડામાં છે.