જૂની કાર SCRAP કરાવવા અને નવી કાર ખરીદવા પર કેટલું ડિસ્કાઉન્ટ મળે? જાણો વિગતો
લાંબી ચર્ચા-વિચારણા બાદ કેન્દ્ર સરકાર અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીએ સ્ક્રેપિંગ સર્ટિફિકેટના બદલે નવી કાર ખરીદનાર ગ્રાહકોને છૂટ આપવા પર સહમતિ દર્શાવી છે.
કેન્દ્રિય પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સના CEOના એક પ્રતિનિધિમંડળ સાથે વિસ્તૃત ચર્ચા કરી.
1 એપ્રિલ 2022થી લાગુ થનારી આ પોલિસી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે જૂના વાહનોને સ્ક્રેપ કરાવ્યા બાદ નવા વાહન ખરીદવા પર છૂટ પ્રદાન કરશે.
આ પોલિસી અંતર્ગત 20 વર્ષ જૂના પ્રાઈવેટ પેસેન્જર વાહન અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહન ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં નિષ્ફળ રહેશે તો તેમનું રજિસ્ટ્રેશન રદ કરી દેવાશે.
મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુંડાઈ, કિઆ, ટોયોટા અને અન્ય કાર નિર્માતા સ્ક્રેપ થયેલા વાહનના બદલે નવી કાર ખરીદવા પર 1.5 ટકા અથવા 20 હજાર ( જે પણ ઓછું હોય)નું ડિસ્કાઉન્ટ આપશે.
જોકે મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા હાલની ઓફર ઉપરાંત 25,000નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપશે. શક્ય છે કે કેટલીક અન્ય કંપનીઓ પણ સ્ક્રેપના બદલે નવી કાર ખરીદવા પર વધારાનું ડિસ્કાઉન્ટ આપે.
3.5 ટનથી વધુ વજન ધરાવતા સ્ક્રેપ કરાયેલ કોમર્શિયલ કાર્ગો વાહન માટે એક્સ-શોરૂમના 3 ટકા સુધી છૂટ આપવાની સહમતિ દર્શાવી છે.
તો 3.5 ટનથી ઓછું વજન ધરાવતા વાહનો માટે 1.5 ટકા છૂટ અપાશે. ઉપરાંત હેવી અને લાઈટ કોમર્શિયલ વ્હીકલ માટે ક્રમશઃ 2.75 ટકા અને 1.25 ટકા સુધીની છૂટ મળશે.