લો બોલો, ખાડા-ખાબોચીયાવાળો આ રોડ પાછળ સરકારે રૂ.97 કરોડ ખર્ચ્યા છે, 2 વર્ષ પણ ન ટક્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી/મહીસાગર: એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી શકાય અને અકસ્માત થાય નહિ અને કોઈ જાનહાની ન થાય તે માટે સરકાર રસ્તા પહોળા અને મજબૂત બનાવે છે અને જે માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચ પણ કરે છે જેથી આવા નવીન બનેલ રોડ વાહનચાલકો તેમજ સ્થાનિક માટે આશીર્વાદ રૂપ સાબિત થાય પરંતુ મહીસાગર જિલ્લામાં 97 કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચ કરી બાલાસિનોર થી વિરણીયા ચોકડી સુધીનો 38 કિમીનો બનવેલ રોડ વાહનચાલકો તેમજ સ્થાનિક રાહદારીઓ માટે શ્રાપ રૂપ સાબિત થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ રોડનું કામ 2021માં જ પૂરું થયું હતું. ત્યારે બે વર્ષ માંડ થયા છે અને રોડમાં ખાડા પડી ગયા છે.

નવો રોડ બનતા જ ચોમાસામાં ધોવાઈ ગયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી વિરણીયા ચીકડી પાસે ગોધરા હાઇવેને જોડતો 38 કિલોમીટરનો રોડ 97 કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચ કરી નવો બનાવવામાં આવ્યો છે. રોડ નવો, તેમજ પહોળો બનતા લુણાવાડાથી વિરણીયા થઈને બાલાસિનોર અને અમદાવાદ જતા વાહનચાલકો માટે આ રોડ સલામત, આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો હતો. ત્યારે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરી જનતાની સુવિધાઓ માટે રોડ બનાવ્યો તો ખરો પણ આ રોડને ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગી ગયું અને રોડ બનાવ્યાના થોડા જ સમયમાં ઠેર ઠેર મસમોટા ગાબડાં પડતા ઠેર ઠેર બિસ્માર થઈ ગયો છે. જેના કારણે વાહનચાલકો અને રોડને અડીને જે ગામો આવેલા છે તે ગામના સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

બિસ્માર રોડના કારણે વાહન ચાલકો થઈ રહ્યા છે અકસ્માતનો ભોગ
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોડ જ્યારથી નવો બન્યો ત્યારથી જ હલકી કક્ષાનું મટીરીયલ્સ વાપરવામાં આવી રહ્યું હતું. નવો રોડ બનાવવા જે ઉચ્ચ ગુણવત્તા હોવી જોઈએ તે જાળવવામાં આવી નથી અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે જ નવો રોડ બનાવવામાં આવ્યો છે. જે માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતને કારણે રોડ પર ટુંકા જ ગાળામાં ઠેર ઠેર મોટ મોટા ખાડા પડી જતા રોડ બિસ્માર થઈ જતા વાહનચાલકો તેમજ સ્થાનિક ગ્રામજનોને અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર મોટા ખાડા પડતા અકસ્માત પણ થાય છે જેના કારણે નિર્દોષ લોકો મોતને ભેટે છે. સરકાર વિકાસની વાત કરે છે. આ રોડ પર આવીને તપાસ કરાવડાવે તો ખબર પડે કે વિકાસ કોનો થયો છે. સ્થાનિક લોકોની માંગ છે કે સરકાર વહેલી તકે જાગે અને તુરંત કાર્યવાહી કરે અને રોડ તાકીદે રીપેર કરે તે જરૂરી છે જેથી અકસ્માત ઓછા થાય અને લોકોના જીવ બચે.

ADVERTISEMENT

માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે શું કહ્યું?
માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શરદ રાજગોરે ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 97 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનેલો છે. ચોમાસામાં રોડમાં ખાડા પડી જતા કોન્ટ્રાક્ટરને નોટીસ આપી ખાડા પુરી રોડ રીપેર કરવામાં આવ્યો હતો. ફરીથી રોડ પર ખાડા પડતા રોડ બિસ્માર થયો છે. ત્યારે ફરીથી કોન્ટ્રાક્ટરને નોટીસ આપી રોડ રીપેર કરવા જણાવેલું છે. રોડ રીપેરીંગની કામગીરી શરૂ કરી છે અને પંદર દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે. રોડ પર જે મોટા ખાડા પડયા છે ત્યાં કેનાલ પસાર થાય છે અને કેનાલના લીકેજના પાણીને કારણે રોડમાં ખાડા પડી ગયા છે અને જે માટે કેનાલ વિભાગને નોટીસ પણ આપી છે.

ADVERTISEMENT

કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અધિકારીઓ લેશે પગલા?
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે કરોડો રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવેલ રોડ કેમ છાશવારે તૂટી જાય છે? શું રોડ બનતી વખતે જવાબદાર અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં નહિ આવી હોય ? કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કર્યાવહી કરવાની જગ્યાએ માર્ગ અને મકાન વિભાગ નોટીસ પર નોટીસ આપી કેમ કોન્ટ્રાક્ટરને બચાવી રહી છે, ગ્રામજનો અને વાહનચાલકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે તેમાં ખરેખર કોઈ સત્ય હશે કે શું? કારણ કે હર હંમેશા અધિકારીઓ કડક કાર્યવાહી કરવાના બદલે ફક્ત નોટીસ આપી અથવા ખાડા પડ્યા હોય ત્યાં થીગડા મરાવડાવી રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચારને છુપાવતા હોય તેવું લાગી રહ્યું છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પણ કરી હતી તપાસની માંગ
અત્રે નોંધનીય છે કે આ રોડ બાબતે બાલાસિનોરના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે આગામી ભુપેન્દ્ર પટેલની સરકારમાં ધારાસભ્ય હતા, ત્યારે વાહન વ્યવહાર મંત્રી તેમજ મુખ્યમંત્રીને રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરાવડાવવા લેટર પણ લખ્યો હતો. તેમજ આજ રોડ પર દેવ ચોકડી પાસે રોડની બાજુમાં ગટર હોવા છતાં ગટર નથી બનાવી તેની તપાસ કરવા પત્ર પણ લખ્યો હતો. તે બાબતે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શરદ રાજગોરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મારા પહેલાના અધિકારીની ઉપસ્થિતમાં રોડની કામગીરી થયેલી છે માટે તપાસ કર્યા વગર કઈ કહી શકું નહીં તેમ કહી બચાવ કરતા નજરે પડ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT