અમરેલીમાં જોવા મળ્યા અદભૂત રાજકીય દ્રશ્યો, પરેશ ધાનાણીએ BJPના કાર્યાલય પહોંચી ચાની ચુસ્કી માણી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શાંત થાય તે પહેલા અમરેલીમાં અદભૂત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપના કાર્યાલયે મુલાકાત લેવા પહોંચી ગયા હતા. અહીં તેમણે દિલીપ સંઘાણી, પુરુષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચુસ્કી લીધી હતી. ચૂંટણી પહેલા જ્યાં એક બાજુ વિરોધ પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તંદુરસ્ત રાજકારણની આ અદભૂત તસવીરો આજના નેતાઓને ઘણી મોટી શીખ આપી જાય છે.

ભાજપના નેતાઓ સાથે ધાનાણીએ પીધી ચા
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના કાર્યાલયની મુલાકાત લીધી હતી. ધાનાણીએ કાર્યાલયમાં ભાજપના સીનિયર નેતા પુરુષોત્તમ રૂપાલાના આશીર્વાદ પણ લીધા હતા અને અન્ય કાર્યકરો સાથે મુલાકાત કરીને ત્યાં જ ચાની ચુસ્કી માણી હતી. ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લાના તંદુરસ્ત રાજકારણની આ અદ્ભુત તસવીરોએ સામે આવતા જ તેની પ્રશંસા થવા લાગી હતી.

ADVERTISEMENT

ભાજપના નેતાઓના આશીર્વાદ લીધા
ભાજપ કાર્યાલયની મુલાકાત લેતા ધાનાણીએ કહ્યું કે, ભાજપના કાર્યાલયમાં રહેતા અને દીલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશિર્વાદ આપે. પરેશ ધાનાણી અને તેના લઘુબંધુ શરદ ધાનાણી ભાજપ ચુંટણી કાર્યાલય ખાતે પહોંચતા ઘડીભર માટે સન્નાટો છવાયો હતો. જોકે ભાજપના નેતાઓએ પણ તેમને આવકારીને બેસવા માટે ખુરશી આપી બેસાડ્યા હતા.

ADVERTISEMENT

પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન
નોંધનીય છે કે, ગુજરાતમાં 1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકોનો સમાવેશ થાય છે. આ માટે 788 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા નેતાઓ છેલ્લે સુધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતા જોવા મળશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિરેન રવિયા)

 

    follow whatsapp

    ADVERTISEMENT