છોટાઉદેપુરમાં કપાસનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ કાઢી રેલી, જો ઉકેલ ન આવે તો ખેડૂતોની દિલ્હી જવાની તૈયારીમાં !
નરેન્દ્ર પેપરવાલા, છોટાઉદેપુરઃ રાજ્યમાં ખેડૂતોની હાલત ખુબ કફોડી જોવા મળી રહી છે. વાત કરીએ છોટાઉદેપુરની તો ખેડૂતોની સ્થિતિ ત્યાં પડ્યા પર પાટુ જેવી છે કારણ…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, છોટાઉદેપુરઃ રાજ્યમાં ખેડૂતોની હાલત ખુબ કફોડી જોવા મળી રહી છે. વાત કરીએ છોટાઉદેપુરની તો ખેડૂતોની સ્થિતિ ત્યાં પડ્યા પર પાટુ જેવી છે કારણ કે, ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ નથી મળતો ઉપરથી વેપારીઓ પણ ઓછુ વટાવ આપતા ખેડૂતોએ રેલી કાઢી અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. દરેક સિઝનમાં ખેડૂતોની સ્થિતિ કઈક આ જ પ્રકારની જોવા મળતી હોય છે.
સંખેડામાં ખેડૂતો ઓછા વળતરથી અકળાયા
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ખાસ કરીને કપાસ ની ખેતી ખેડૂતો કરે છે.મોઘું બિયારણ ,મોઘું ખાતર અને ભારે મહેનત બાદ જ્યારે ખેડૂત તેનો કપાસ વેચવા જાય છે. ત્યારે ખેડૂતને તેના માલના વળતર પર દોઢ ટકા વટાવ ખાનગી વેપારીઓને આપવો પડે છે. એક તરફ કપાસના ભાવ ઓછા મળી રહ્યા છે તો બીજી તરફ વટાવ કપાતો હોય ખેડૂતોના હક્કના પૈસા છીનવાઈ રહ્યા છે . ખેડૂતો પાસે ભલે પૈસા ના હોય દેવું કરી ને પણ તે રોકડાથી બિયારણ અને ખાતર લાવતો હોય છે. અને જ્યારે તેમનો માલ વેચવા જાય છે ત્યારે તેમને રોકડા પૈસા મળતા નથી .તેમને 15-20 દિવસના ફેર થી ચેક આપવામાં આવે છે અને તેમાંય વટાવ વેપારીઓ કાપી લેતા તેમની સાથે અન્યાય થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 10 હત્યાની ઘટનાઓ બની, જનતાની સુરક્ષા કોના ભરોસે ? તેવા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
જગતના તાત સાથે અન્યાય કેમ ?
ખેડૂતોને પડતા પર પાટું સમાન તેમની ઉપજના નાણાં પર વટાવ કપાતા ખેડૂતોએ APMCના ચેરમેનને રજૂઆત કરી હતી. ચેરમેને ખેડૂતોની વાત યોગ્ય લાગતા તેઓ સાથે સહમત થયા હતા. APMCના ચેરમેને ખેડૂતોએ કરેલા પ્રતિક ઉપવાસમાં સાથ પણ આપ્યો હતો. તેની સાથે વાત પણ કરી હતી પણ ખેડૂતોએ ટસથી મસ ન થઈ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ અધિકારીઓની ફિતરત રહી છે કે જ્યાં સુધી વિરોધ ન થાય ત્યાં સુધી માત્ર આવેદનોથી વાત ન સાંભળવી. એટલે જ ખેડૂતોના આવેદન બાદ પણ છતાં કોઈ ઉકેલ આવ્યો નહિ. ખેડૂતો જણાવી રહ્યા છે કે, વટાવ પ્રથા કોઈ જગ્યાએ નથી અને ખાનગી વેપારીઓ તેમની મનમાની કરી ખેડૂતોની મહેનતના પૈસા લઈ લે છે .ત્યારે સંખેડાના ખેડૂતોની વ્યથા કોઈએ ના સાંભળી અને આખરે તેમને મોટી રેલી સ્વરૂપે છોટાઉદેપુર પહોંચી વટાવ પ્રથા બંધ કરો ના ગગન ભેદી નારા સાથે કલેકટરને આવેદન પત્ર આપ્યું .
શું ખેડૂતો દિલ્હી જવાની તૈયારીમાં ?
હાલ તો ખેડૂતો ભારે આક્રોશ માં જોવાઇ રહ્યા છે અને જણાવી પણ રહ્યા છે કે જો તેમની સમસ્યાનું નિવારણ નહિ આવે તો તેઓ ગાંધીનગર જશે અને ત્યાં પણ નિકાલ નહી આવે તો તેઓ દિલ્હી પણ જવા ની તૈયારીમાં છે. હાલ તો ખેડૂતોની વાતને કલેકટરે સાંભળી અને તેમની રજૂઆતને સરકારમાં પહોચાડવાની હૈયા ધારણા આપી છે .જગતના તાત સાથે થતા અન્યાયને લઈ હાલ તો તેઓ લડી લેવા ના મૂડ માં આવી ગયા છે
ADVERTISEMENT
ADVERTISEMENT