રાજ્યમાં GIDC ને લઈ લીધો મહત્વનો નિર્ણય, અનઅધિકૃત બાંધકામો કરાશે કાયદેસર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર:   રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને 300 ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે.

રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય અંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાત આજે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે. જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધું સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે.

 આ કારણે અનઅધિકૃત બાંધકામ ને કરાશે અધિકૃત
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી. પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યા છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જી.આઇ.ડી.સીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં 220 કરતાં પણ વધુ  જીઆઇડીસી કાર્યરત છે. જેમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: પંચાયત મંત્રી બચુ ખાબડ આવ્યા એક્શનમાં, રાજ્યના તમામ DDO સાથે ઘડ્યો આ પ્લાન

આટલા રૂપિયા ભરવાના રહેશે
બળવંતસિંહ રાજપૂતે નિયત કરાયેલા દરોની વિગતો આપતા કહ્યું કે, કુલ બાંધકામ 50 ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.3000ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ 50 ચો.મી.થી વધુ અને 100 ચો.મી. સુધી રૂા. 3000 તથા વધારાના રૂપિયા 3000 ભરવાના રહેશે.  કુલ બાંધકામ 100 ચો.મી. થી વધુ અને 200 ચો.મી સુધી રૂપીયા 6000 અને વધારાના રૂપિયા 6000 ભરવાના રહેશે. કુલ બાંધકામ 200 ચો.મી. થી વધુ અને 300 ચો.મી સુધી રૂપિયા 12000  અને વધારાના રૂપિયા 6000. તેમજ કુલ બાંધકામ 300  ચો.મી. થી વધુ માટે રૂા.18,000 તથા વધારાના રૂપિયા 150 પ્રતિ ચો.મી 300  ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે. આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

જાણો શું છે જોગવાઈ
આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના 50 ટકા સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી. આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે   પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના 15 ટકા તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના 30 ટકાના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-2017ના ડી-9 વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ.થી 50 ટકા વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે 33 ટકા  વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.\

આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક  ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયેથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે.

1962માં જીઆઇડીસીની સ્થાપના 
વર્ષ 1962માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યારસુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જી.આઇ.ડી.સીનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે ગુજરાત કેમીકલ, પેટ્રોકેમીકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે .

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

follow whatsapp

ADVERTISEMENT