જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા નવસારીમાં વિદ્યાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. માંડ કોઈ પરીક્ષા સુવ્યવસ્થિત રીતે લેવાય તેવું બને છે અને મોટા ભાગે પેપર લીક થતા પરીક્ષાર્થીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. જોકે આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ ત્રણેક દિવસ પહેલા જ આ મામલે સરકારને ચેતવી હતી. હવે આ મામલાને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

નવસારીના તંત્રનો પેપર લીક બાદ નિર્ણય
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલમાં વિદ્યાર્થીઓને આ કારણે થતા પ્રશ્નોને હલ કરવા કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. અહીં વિદ્યાર્થીઓને પરીક્ષા રદ્દ થયા અંગેની માહિતી આપવામાં આવી હતી. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ વિદ્યાર્થીઓને શાંતિ રાખવા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાં કુલ 72 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની હતી જેમાં 27,030 ઉમેદવારો ભાગ લેવાના હતા.

ADVERTISEMENT

ગુજરાતમાં વધુ એક પેપર લીકઃ જુનિયર ક્લાર્ક સરકારી ભરતીનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ

પસંદગી મંડળ પર સુરક્ષા માંગવામાં આવી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થયા પછી સુરક્ષાને ધ્યાને લઈને કર્મયોગી ભવન ખાતે પોલીસ બંદોબસ્ત આપવાની માગ કરવવામાં આવી છે. ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાને મંડળ દ્વારા આ અંગે વિનંતી કરવામાં આવી છે.


યુવરાજસિંહે શું કહ્યું હતું?
ગુજરાત સરકારમાં થતી ભરતી પરીક્ષામાં સતત કૌભાંડો થતા આવ્યા છે. દરમિયાન વધુ એક પરીક્ષા રદ્દ થઈ જવા પાછળનું કારણ પર પેપર લીક છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે થોડા જ દિવસો પહેલા ચોંકાવનારી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જુનિયર ક્લાર્ક પરીક્ષા અંગે પ્રશાસન તંત્ર અને પોલીસ વિભાગને સાવચેતીના ભાગરૂપે તાકીદ કરવામાં આવી છે. ભુતકાળમાં જે વિસ્તારના કૌભાંડી એજન્ટો એક્ટિવ હતા તે ફરીથી એક્ટિવ થયા છે. અગાઉની પરીક્ષાઓમાં પેપર ફોડનારી ટોળકી આ વખતે ગુજરાતમાં ઠેરઠેરથી પેપરના લાખો રૂપિયા ઉઘરાવી રહી છે.

ADVERTISEMENT

અગાઉની પરીક્ષાના પેપર ફોડનારાઓએ જ જુનિયર ક્લાર્કનું પેપર કર્યું લીકઃ યુવરાજસિંહના આક્ષેપો

પોલીસે એકને ઝડપ્યો
રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત જુનિયર ક્લાર્કના પદ માટેની સરકારી નોકરીની પરીક્ષાઓ થવાની હતી જે ગુજરાતમાં 3350 જગ્યાએ લેવાવાની હતી. જોકે પરીક્ષા થાય તે પહેલા જ આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. આ પરીક્ષા આપવા માટે 17 લાખ યુવાનોએ ફોર્મ ભર્યા હતા. જેના કારણે આટલી મોટી સંખ્યામાં યુવાનોના સપના ચકનાચુર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલામાં પોલીસે મોડી રાત્રે એક શખ્સને ઝડપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જે પછી સરકારે આ પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે ફરી પરીક્ષા ક્યારે થશે તે અંગે હજુ પણ કશું જ નક્કી થયું નથી.

ADVERTISEMENT

(ઈનપુટઃ રોનક જાની, નવસારી અને ગોપી ઘાંઘર, ગાંધીનગર)

    follow whatsapp

    ADVERTISEMENT