પતિ ના ગમ્યો તો તેનું મર્ડર કરી નાખ્યુંઃ કપડવંજમાં કોર્ટે પત્નીને આપી આજીવન કેદની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ કપડવંજ કોર્ટે પતિની હત્યાના ગુનામાં પત્નીને આજીવન કેદની સજા ફટકારી છે. કપડવંજના કાપડીવાવ પાસે પત્નીને પતિ ગમતો ના હોવાથી પત્નિએ પતિની હત્યા કરી હતી. ફાગવેલ ફરવાના બહાને લઈ જઈ પત્નીએ પતિના શરીરે ગાડીના જેકથી ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પત્નિએ કપડવંજ પોલીસ મથકે પતિ ઘુમ થયો હોવાની તથા લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ તપાસમાં ભાંડો ફૂટી જતાં પત્ની સામે ગુનો નોંધાયો હતો અને આજે કપડવંજ કોર્ટના જર્જ વી.પી.અગ્રવાલે પત્નીને આજીવન સજાનો હુકમ કર્યો છે.

શરીરસુખ માણવાની ઈચ્છા વ્યક્ત કરી પતિને પતાવ્યો
કપડવંજના સલોડ ગામે રહેતા ખેંગારભાઇ મહિજીભાઈ ભરવાડ સાથે આરોપી કમુબેનના સામાજિક રીત રિવાજ મુજબ સાટા પ્રથામાં કરવામાં આવ્યા હતા. સાટા પ્રથામાં સામસામે દીકરીઓના લગ્ન કરવામાં આવે છે. જેમાં ખેંગાર ભાઈની બહેનના લગ્ન કમુબેનના ભાઈ સાથે કરવામાં આવ્યા હતા અને કમુબેનના લગ્ન સામે ખેંગારભાઈ સાથે થયા હતા. સાટા પ્રથાથી થયેલા લગ્ન કમુબેનને પસંદ નહોતા. કમુબેન રાજદીપ મકવાણા સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા. જેને લઈને તેને પોતાનો પતિ ગમતો ન હતો. ગમે તે રીતે કમુબેન પતિ ખેંગારભાઈ સાથેથી છુટકારો મેળવવા માટે પ્રયાસો કરતી હતી. જોકે સાટામાં લગ્ન થયા હોવાથી છૂટાછેડા થઈ શકે તેમ ન હતા જેને લઈને પતિથી છુટકારો મેળવવા માટે કમુબાઈને 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પોતાના પતિને ફાગવેલ દર્શન કરવા જવાનું કહીને તૈયાર કર્યા હતા. તે દરમિયાન આરોપી કમુબેનએ પાસેના ઘરમાંથી પોતાના પતિથી છુપી રીતે લોખંડનો જેક લઈ થેલામાં મૂકી દીધો હતો અને ત્યારબાદ બંને પતિ પત્ની મોટરસાયકલ પર બેસી ફાગવેલ જઈ દર્શન કરવા ગયા હતા. દર્શન કરી મોટરસાયકલ ઉપર પરત આવી રહ્યા હતા દરમિયાન બામણીયા લાટ સીમમાં આવેલ વરીયાળીના ખેતરમાં બેસી વેફરનો નાસ્તો કર્યો હતો. બાદમાં આરોપી કમુબેને પતિને શરીરસુખ માણવાની વાત કરી આસપાસમાં કોઈ છે કે નહીં તે જોવા પોતાની પાસેનો થેલો લઈને ઊભી થઇ અને પતિની નજર ચૂકવી થેલામાંથી લોખંડનો જેક કાઢી પતિના માથા પર ઉપરાછાપરી 26 વખત ઘા કરતા પતિ ખેંગારભાઈનું સ્થળ પરજ મોત થઈ ગયું હતું. એટલું જ નહીં આરોપી કમુબેને પતિની ક્રૂર હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે મોટરસાયકલને ખેતરમાં લઈ જઈ આડુ પાડી દીધું. પતિના ગળામાં પહેરેલા સોનાના પિત્તા તોડી વરિયાળીના ખેતરમાં છુટા નાખી દીધા તથા હાથે પહેરેલી ચાંદીની પોંચી કાઢી વરિયાળીના ચાસ વચ્ચેના પાટલાની માટી માથા બાજુથી તેમજ પગો બાજુથી હાથથી ખોતરી નાખી, મરનારનું માથું તથા પગ મૂકી તેના ઉપર માટી વાળી દઈ તેમજ બંને બાજુના વરિયાળીના છોડ પતિ ઉપર વાળી દઈ લાશને ઢાંકી પુરાવાનો નાશ કર્યો હતો. ઉપરાંત મોબાઇલ ફોન, વેફરની ખાલી કોથળીઓ થેલામાં ભરી તેમજ જેક લઈ વરિયાળીના ખેતરમાંથી બહાર આવતા ખેતરના ઓરડી ઉપર ચાંદીની પોતી નાખી દઈ ત્યાંથી કાચા રસ્તા ઉપર આવી ગઈ હતી.

લૂંટ અને પતિ ગુમ થયાની ફરિયાદ પોતે જ લખાવી
જોકે રસ્તા પર આવતા આરોપી પત્ની કમુબહેને વિચાર્યું કે લોકો પૂછે તો હું શું કહીશ જેથી તેણે રસ્તામાં આવતા એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા માણસોએ આવી મારી સાથે લૂંટફાટ કરતા મારા પતિ બીજા માણસોની મદદ મેળવવા મોટરસાયકલ લઈ ગયા છે જે હજી સુધી આવ્યા નથી અને અજાણ્યા માણસોએ મારા કાને પહેરેલું સોનાની શેર સાથેની બુટ્ટી તથા સોનાની વેલ લૂંટી લીધી છે. તેમ વિચારી પત્નીએ પાસેના કુવામાં લોખંડનો જેક, પોતાની પાસે રહેલો થેલો, મોબાઈલ ફોન, કાને પહેરેલી સોનાની શેર સાથેની બુટ્ટી તથા વેલ કાઢી કૂવામાં નાખી દીધી. સાથે જ પતિનો ખુનનો ગુનો છુપાવવા પોતાની સાથે લૂંટ થઈ હોવાની ખોટી હકીકતો જણાવી કપડવંજ પોલીસ મથકે લૂંટ અંગેની ખોટી ફરિયાદ કરી હતી. પતિ ગુમ થયો હોવાની ફરિયાદ પણ પત્ની કમુબહેને કરી હતી. જોકે કપડવંજ પોલીસે તપાસ કરતા પોલીસને સાચી માહિતી મળી હતી. જેને લઇને પોલીસે આરોપી પત્ની કમુબેન સામે 302, 201 મુજબ ગુનો નોધી કોર્ટમાં ચા્જશીટ દાખલ કરી હતી. જે કેસ આજે કપડવંજના સેશન જજ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા, સરકારી વકીલ મિનેશ પટેલની દલીલો તેમજ કુલ 14 સાહેદોના પુરાવા અને 30થી વધુ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને આરોપી પત્ની કમુબેનને આજીવન કેદની સજા ફટકારી છે.સાથે જ કોર્ટે રૂપિયા 11 હજાર દંડની સજા અને જો દંડ ના ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે. તથા મરણ જનારની માતાને વિકટીમ કમપનસેશન સ્કીમ હેઠળ 1 લાખનું વળતરનો હુકમ કરાયો છે.

ADVERTISEMENT

કોર્ટે દાખલો બેસાડતા કરી આકરી સજા
મહત્વનું છે કે 2019માં જ્યારે કમુબેને પોતાના પતિની હત્યા કરી હતી, તેના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. જોકે સાટામાં થયેલા લગ્નને કારણે પત્નીને પતિ ગમતો ના હોવાથી તેને મોતને ઘાટ ઉતારી, પોલીસને ખોટી માહિતી આપી હતી. જોકે પોલીસ દ્વારા તપાસ કરાઇ હતી, પોલીસ દ્વારા ફોરેન્સિક અને ડીએનએ પુરાવા પણ લેવાયા હતા અને કોર્ટમાં પણ રજૂ કરાયા હતા. જે તમામ પુરાવાઓને આધારે કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપી પત્નીને પતિની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે.

    follow whatsapp

    ADVERTISEMENT