Dwarka Crime News: લવનો લોહિયાળ અંજામ, વિધર્મી યુવતી સાથે પ્રેમ લગ્ન બાદ યુવકને મળી મોતની સજા
Dwarka Crime News: દ્વારકા જિલ્લાના ભાણવડના શેઢાખાઈ ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીના પરિવાર દ્વારા દોઢ વર્ષે યુવકની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
Dwarka Crime News: દ્વારકા જિલ્લાના ભાણવડના શેઢાખાઈ ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીના પરિવાર દ્વારા દોઢ વર્ષે યુવકની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
ગામની યુવતી સાથે થયો હતો પ્રેમ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શેઢાખાઈ ગામે રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના 24 વર્ષના યુવાનને આ ગામમાં જ રહેતા ઈશાભાઈ અબુભાઈ દેથાની પુત્રી રમઝા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેમના સંબંધને રમઝાના પિતા ઈશાભાઈને સ્વીકાર્ય ન હતા અને રમઝાની સગાઈ જ્યાં તેણીની મરજી વિરુદ્ધ થઈ હતી, ત્યાં જ તેના નિકાહ થાય તેમ રમઝાના પિતા ઈશાભાઈ દેથા ઈચ્છતા હતા. રમઝાના પરિવારજનોને પણ રમઝાનો યાજ્ઞિકનો સંબંધ પસંદ નહોતા. પરંતુ રમઝા યાજ્ઞિક દુધરેજીયાના પ્રેમમાં હોવાથી બંને વર્ષ 2023માં ઘરેથી ભાગી ગયા હતા.
રમઝાએ દીકરીને આપ્યો હતો જન્મ
જે અંગેની અરજી રમઝાના પિતા ઈશાભાઈ અબુભાઈ દેથાએ તારીખ 7 જાન્યુઆરી 2023ના રોજ સ્થાનિક પોલીસમાં કરી હતી. દોઢેક વર્ષથી શેઢાખાઈ ગામેથી નાસી ગયા બાદ યાજ્ઞિક અને તેની પત્ની રમઝા ઉર્ફે હેતલ બહારગામ રહેતા હતા. ગત તારીખ 24 જૂન 2024ના રોજ રમઝાએ દીકરીને જન્મ થયો હતો. ત્યારબાદ બંને પોતાના ઘરે શેઢાખાઈ ગામે પરત ફર્યા હતા. જે રમઝા ઉર્ફે હેતલના પરિવારજનોને પસંદ ન હતું.
ADVERTISEMENT
બસ સ્ટેન્ડ પાસે થયો હુમલો
દેવભૂમિ દ્વારકાના Dysp હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું કે, શનિવારે બપોરે યાજ્ઞિક જમીને ત્રણેક વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળ્યો હતો અને તેના મિત્ર હરદીપસિંહ વજુભા સાથે ગામના બસ સ્ટેશન પાસે માવો ખાવા ગયો હતો. બસ સ્ટેશન પાસે રમઝા ઉર્ફે હેતલના પિતા, ભાઈ અને કાકા સહિતના પરિવારજનો લોખંડના પાઈપ, કુહાડી અને છરી જેવા ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા.
હથિયાર વડે આરોપીઓ તૂટી પડ્યા
તેમણે કહ્યું કે, મારી નાખવાના ઈરાદાથી બસ સ્ટેશન પાસે આવીને ઉપરોક્ત શખ્સોએ યાજ્ઞિક ઉપર હુમલા કરતા તેના મિત્ર હરદીપસિંહ "રહેવા દયો, રહેવા દયો" કહી અટકાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ પરિસ્થિતિ પારખીને તે અહીંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ ફરી આરોપી આદમે યાજ્ઞિકના પગમાં કુહાડાના ઘા મારી, અન્ય આરોપીઓ પણ હથિયારો વડે તૂટી પડ્યા હતા.
ADVERTISEMENT
લોહી લુહાણ હાલતમાં ખસેડાયો હોસ્પિટલ
આ બનાવ બનતા યાજ્ઞિકના માતા નિર્મળાબેન તથા તેની પત્ની રમઝા ઉર્ફે હેતલ અહીં પહોંચી ગયા હતા અને હેતલે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ પણ તાકીદે અહીં પહોંચી ગઈ હતી. યાજ્ઞિકને ઈજાઓ પહોંચાડી આરોપીઓ નાસી ગયા હતા. લોહી લુહાણ હાલતમાં યાજ્ઞિકને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ માર્ગમાં ખૂબ જ કણસતી હાલતમાં સિક્કા ગામ નજીક પહોંચતા જ યાજ્ઞિક બેભાન થઈ ગયા બાદ શનિવારે સાંજે આશરે 7:30 વાગે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચતા ત્યાં ફરજ પરના તબીબોએ યાજ્ઞિકને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
7 શખ્સો સામે પોલીસે કરી કાર્યવાહી
આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના માતા નિર્મળાબેન લક્ષ્મીદાસ દુધરેજીયા (ઉ.વ. 53)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે સાજીદ ઈશા દેથા, સલીમ હુસેન દેથા, જુમા મુસા દેથા, આદમ મુસા ઉર્ફે આદુ, ઓસમાણ મુસા ઉર્ફે ભકો ઓસમાણ, હોથી કાસમ ઉર્ફે ડાડો દેથા અને મહમદ જુમા દેથા નામના 7 શખ્સો સામે ભાણવડ પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી.
પોલીસે તમામને ઝડપી લીધા
યુવાનની હત્યાનો આ બનાવ બનતા અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. નાના એવા શેઢાખાઈ ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પડ્યા હતા હાલ ઘાતકી હત્યાના આ સમગ્ર બનાવે નાના એવા શેઢાખાઈ ગામમાં ભારે ચકચાર જગાવી છે.
રિપોર્ટઃ રજનીકાંત જોશી, દ્વારકા
ADVERTISEMENT