ડ્રગ્સનું સિલ્ક રૂટ બનવા તરફ ગુજરાતઃ રાજકોટથી 214 કરોડનું ડ્રગ્સ દિલ્હી મોકલવાનું હતું
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કરોડોનું નહીં પણ અબજોનું ડ્રગ્સ પોલીસ, ડીઆરઆઈ, બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓના હાથે લાગી ચુક્યું છે. ડ્રગ્સ મોકલનારાઓ અને તેના સપ્લાય…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કરોડોનું નહીં પણ અબજોનું ડ્રગ્સ પોલીસ, ડીઆરઆઈ, બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓના હાથે લાગી ચુક્યું છે. ડ્રગ્સ મોકલનારાઓ અને તેના સપ્લાય સાથે જોડાયેલી અનેક ચેઈન પૈકીની કેટલીક ખાસ ચેઈનના શખ્સો જાણે ગુજરાતને ડ્રગ્સ માટેનું સિલ્કરૂટ બનાવી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ગુજરાતમાં કચ્છ, મોરબી, સુરત, અમદાવાદ, વડોદરા, આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં કરોડોના ડ્રગ્સના જથ્થા ઝડપાઈ ચુક્યા છે ત્યારે આજે રાજકોટમાં ઝડપાયેલું રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ પણ ગુજરાતથી દિલ્હી મોકલવામાં આવનાર હતું.
પાર્ટી ડ્રગ્સથી લઈને, હેરોઈન, એમડી સહિતના ડ્રગ્સ ન માત્ર સપલાય પરંતુ ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટ્રીઝ પણ પકડાઈ ચુકી છે. હાલમાં જ વડોદરામાં અને અંકલેશ્વર ખાતેથી મુંબઈની તપાસ એજન્સી દ્વારા, અમદાવાદની ઝાક જીઆઈડીસીમાંથી એક નેતાના જ પુત્ર દ્વારા ડ્રગ્સ બનાવીને સપ્લાય કરાતું હોવાનું અધધ અબજનું ડ્રગ્સ અને તે સહિત અન્ય સામગ્રી પણ પકડાઈ ચુકી છે. સતત ડ્રગ્સની હેરાફેરી અને સપ્લાય ચેઈનને જોતા ગુજરાત ડ્રગ માફિયાઓ માટે સિલ્ક રૂટ બનવા તરફ જઈ રહ્યું હોવાની ધારણા પણ લોકમાનસમાં ઊભી થઈ રહી છે.
ડ્રગ્સના કારણે પંજાબના માથે કાળી ટીલી
ડ્રગ્સના કારણે ભારતનું પંજાબ રાજ્ય અત્યંત બદનામ થયું છે, જેના પરથી એક બોલિવુડ ફિલ્મ ઉડતા પંજાબ પણ આવી હતી. ડ્રગ્સના નેટવર્કને આ ફિલ્મે જેમ બખુબીથી દર્શાવ્યું હતું તેવો જ ઘાટ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જે પ્રમાણે, ચરસ, ગાંજો, ડ્રગ્સ, દારુ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી થવા લાગી છે તે જોતા પંજાબના માથે લાગેલી કાળી ટીલી ધીમે ધીમે ગુજરાતના માથે લાગી જાય તો નવાઈ ન પામતા. કચ્છના મુંદ્રા પોર્ટ પરથી એનઆઈએ દ્વારા 21000 કરોડથી વધુ કિંમતનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. હાલમાં જ નાર્કોટિક્સ સંબંધિત આ કેસમાં એનઆઈએએ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. તે ચાર્જશિટમાં વિવિધ કંપનીઓ સહિત કુલ 22 નામોને આરોપી તરીકે દર્શાવાયા છે. ચાર્જશીટમાં જ એજન્સીએ જણાવ્યું છે કે આ પૈકીના ઘણા આરોપીઓના સંબંધો ભારતની બહાર દુબઈ, અફ્ઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે પણ છે. 2988.210 કિલોના આ જંગી જથ્થાનો રૂટ ઈરાન રૂટ હતો. જે અફઘાનિસ્તાનથી આવતા જહાજથી અહીં જપ્ત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
રાજકોટમાં આજે પકડાયું 214 કરોડનું ડ્રગ્સ
ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા પડધરી ગામ નજીકથી 31 કિલો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જેની બજાર કિંમત અંદાજે 214 કરોડ રુપિયા થવા જાય છે. એક જાણકારી પ્રમાણે આ ડ્રગ્સને ગુજરાતથી બાદમાં દિલ્હી મોકલવાનું હતું. મતલબ કે ગુજરાતથી અન્ય રાજ્યો સુધીની સપ્લાય ચેઈનને અંજામ મળે તે પહેલા જ એટીએસ દ્વારા મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત કચ્છમાંથી તો અવારનવાર જ્યાંત્યાં બિનવારસી હાલતમાં પણ હેરોઈનના પેકેટ્સ મળી આવે છે. નશીલા પદાર્થોનો આવો વેંપલો યા તો પહેલા સામે આવતો ન હતો અથવા તો વેંપલો વધ્યો હોય આ પ્રકારની ઘટનાઓ પણ બની રહી હોવાનું માનવામાં આવે છે.
લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લવાયો
ક્રાઈમની દુનિયાના સિકંદરોની નજર પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાત પર ટકી છે. તેનું કારણ એ પણ હોઈ શકે છે કે ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાઈ પટ્ટો છે. ગેરકાયદે સ્મગલિંગ માટે આ મોટી તક પણ બની શકે છે. જોકે ગુજરાતની સુરક્ષા એજન્સીઓ પણ આ નેટવર્કને નાથવા માટે મહેનત તો કરી જ રહી છે પરંતુ યુવાધન સુધી જ્યાં આ ડ્રગ્સ પહોંચતું થઈ ગયું છે તે ચિંતાનો વિષય છે. હમણાં જ અમદાવાદના નબીરાઓ માટે જાણીતો સિંઘુભવન રોડ પરથી જ પોલીસે ડ્રગ્સની સપ્લાય યુવાનો સુધી કરતા શખ્સને પકડવામાં આવ્યો હતો. જેની પાસેથી પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો પણ પકડ્યો હતો. એટલું જ નહીં ગુનાની દુનિયામાં હત્યા, ડ્રગ્સ, હથિયારો સહિતના ગુનાઓમાં સંડોવાયેલા લોરેન્સ બિશ્નોઈને હાલમાં જ ગુજરાત એટીએસ દ્વારા પુછપરછ માટે ટ્રાન્સફર વોરંટથી અહીં લાવવામાં આવ્યો હતો. 200 કરોડના ડ્રગ્સ મામલામાં એટીએસએ તેના 14 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ પુરા થયા પછી એટીએસ દ્વારા ફર્ધર રિમાન્ડની અરજી નહીં કરાતા તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો હતો. આજે લોરેન્સ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એવી રો પણ પુછપરછ કરશે. ગુજરાતમાં લોરેન્સે ડ્રગ્સનો મોટો જથ્થો મગાવ્યો હતો જેના કારણે તેને કચ્છની નલિયા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
શરીર પણ વેચવા પર લાવી દે છે
ડ્રગ્સના નેટવર્કના બાદશાહો લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવતા હોય તેવા પણ ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ગરીબ પરિવારની નાણાકિય જરૂરિયાત હોય કે પછી કોઈ નામી ધનીક વ્યક્તિની દીકરીની ડ્રગ્સ માટેની તલબ હોય, લોકોની મજબુરી આ નેટવર્ક ચલાવનારાઓ માટે સીડી જેવું કામ કરે છે. હાલમાં જ એક અમદાવાદના જાણિતા તવંગર વ્યક્તિની દીકરી કે જે અજાણતા જ ડ્રગ્સના રવાડે ચઢ્યા પછી તેના ખર્ચને પહોંચી વળવા માટે સપ્લાયરથી લઈને શરીર વેચવા સુધીની હાલતમાં આવી ગઈ હોવાની પણ ઘટના જાણીતા માધ્યમ થકી બહાર આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT