મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવની નિમણૂક, સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌર નિમાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકારની બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂક કરી છે.  મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે સલાહકાર  તરીકે એસ.એસ. રાઠૌરની નિમણૂક કરવામાં આવી છે.

ડૉ. હસમુખ અઢિયાની હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક થઇ છે.  તેઓ મુખ્યમંત્રીને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે.  ડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વ્હેલું હશે ત્યાં સુધીનો રહેશે.  મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુકત થતાં ડૉ. હસમુખ અઢિયાને જરૂરી સ્ટાફ-મહેકમ તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

જ્યારે મુખ્યમંત્રીના સલાહકાર સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે. તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ 2014માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. વર્ષ 2018માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મ” થી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.  ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. તેમણે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું, ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડેલ છે. ગુજરાતના ” હાઇવે અને કેનાલ મેન ” તરીકે પણ રાઠૌર પ્રખ્યાત છે.

ADVERTISEMENT

બંનેનો કાર્યકાળ
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બે નવી નિમણૂક કરી છે. જેમાં મુખ્ય સલાહકાર તરીકે ડૉ. હસમુખ અઢિયા અને સલાહકાર તરીકે સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌની નિમણૂક કરવામાં આવી છે. આ બંનેના કાર્યકલની વાત કરવામાં આવે તો  મુખ્યમંત્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વ્હેલું હશે ત્યાં સુધીનો રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT