ત્રેવડ વગર હાથમાં લીધું વિકાસનું કામ? વાત્રક નદી પરના બ્રિજનો સપોર્ટ કેમ ધસી પડ્યો, અધિકારીની ચોંકાવનારી વાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ ઘણા વિકાસ અને વિશ્વગુરુ લેવલના ફાંકાઓ છતા ત્રેવડ વગર કામો લઈ લેવાથી શું થાય તેનું ઉત્તમ ઉદાહરણ ખેડામાં વાત્રક નદી પર બનેલા પુલની કામગીરીમાં જોવા મળી રહ્યું છે. સમયસર કામ પુરું નહીં કરવાની ત્રેવડને કારણે આજે જનતાના રૂપિયા પાણીમાં વહી ગયા છે અને હજુ અન્ય કોઈ જોખમને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. ખેડા તાલુકાના મોટા દેદરડાથી વાસણા ખુર્દ વચ્ચે વાત્રક નદી પરના બ્રિજનું સપોર્ટ સ્કેફોલ્ડિંગ સ્ટ્રકચર પાણીમાં ધોવાઈ ગયું છે. પાણીમાં પ્રવાહના કારણે આ સ્ટ્રકચર તૂટી પડતા પાણીના પ્રવાહ સાથે સ્ટ્રકચર તણાતું હોય એવો વીડિયો સ્થાનિકોએ મોબાઈલમાં ઉતારી લીધો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇને અધિકારીઓ જણાવી રહ્યા છે કે, પાણીના પ્રવાહને કારણે આ થયું છે. પરંતુ બ્રિજને કોઈ નુકસાન થયું નથી. જોકે અધિકારી પણ જણાવી રહ્યા છે કે, વર્ષ 2022 માં બ્રીજનું કામ પૂર્ણ કરવાનું હતું. મહત્વની વાત એ છે કે કામ પૂર્ણ કરવાની તારીખના પણ છ મહિના થઈ ગયા અને હજી પણ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી અને હવે તો વરસાદ અને નદીમાં પૂરને કારણે આ બ્રિજનું કામ ટલ્લે ચડી ગયું છે. જેને લઇને હવે બ્રિજ પૂર્ણ ક્યારે થશે એ સવાલ જગૃતજનો કરી રહ્યા છે.

હજુ તો બ્રિજા એક છેડાનું સંપૂર્ણ કામ બાકી
ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ હવે નદીઓમાં પૂર આવી રહ્યું છે, ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. એવામાં ખેડા જિલ્લાના દેદરડાથી વાસણા ખુર્દ વચ્ચે વાત્રક નદી પર છેલ્લા દોઢ વર્ષથી બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજ નીચેથી વાત્રક નદી તથા મેશ્વો નદીનું પાણી વહી રહ્યું છે. ગત રોજ વાત્રક નદીમાં નવા નીર આવતા પાણીનું વહેણ વધ્યું છે અને આઠ કરોડના ખર્ચે બની રહેલો બ્રિજનો સપોર્ટિંગ સકેફોલ્ડિંગ સ્ટ્રકચર તૂટી પડ્યું અને નદીના વહેતા પાણીમાં વહી ગયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો નદી કિનારે પહોંચ્યા હતા અને એક જ ચિંતા સતાવતી હતી કે ૧૦ થી ૧૧ ગામોને જોડતો તથા મહેમદાવાદથી નેશનલ હાઇવેને જોડતા આ બ્રિજને તો કોઈ નુકસાન નથી થયું ને? કારણ કે આ બ્રિજને‌ ડિસેમ્બર 2022માં પૂર્ણ કરવાની સમય મર્યાદા હતી. આ બ્રિજનું તો હજી એક છેડાનું કામ સંપૂર્ણ રીતે બાકી છે. હવે નદીઓ બે કાંઠે વહી રહી છે તો આ બ્રિજ બનતા હજી કેટલો સમય લાગશે તે ચર્ચા એ જોર પકડ્યું છે.

એમ્બ્યુલન્સ ટ્રાફીકમાં ફસાઇ અને 17 વર્ષના છોકરાએ છેલ્લા શ્વાસ લીધા: પિતાનું હૈયાફાટ રૂદન

શું કહે છે અધિકારી
જોકે આ ઘટના અંગે માતર પેટા વિભાગના સેક્શન ઓફિસર ડી.જે ઠક્કરના જણાવ્યા અનુસાર,” જે વીડિયો વાયરલ થયો છે, તે વાત્રક નદી પરના અત્રેની કચેરી હસ્તકનું મોટા દેદરડાથી વાસણા ખુર્દ મેજર બ્રિજનું કામ ચાલુ છે. એમાં આઠમાંથી નવમા નંબરના ગાળા વચ્ચે જે ગડરની કામગીરી છે, તે ગત બે જૂનના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. જેના નીચેના જે ટેકા હતા. તે પાણીના પ્રવાહ એટલે કે નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે એજન્સી દ્વારા કાઢવામાં તકલીફ પડી છે. જેથી ટેકા એમના એમ રહેલા. પણ તેને લઈને ગઈકાલના રોજ પાણીનો પ્રવાહ વધુ વધી જતા એ ટેકા એની અંદર ડૂબી ગયા છે.”

ADVERTISEMENT

વધુમાં ડી.જે ઠક્કરે જણાવ્યું કે, “આ કામ અંદાજિત 8 કરોડનું કામ છે અને કામ પૂર્ણ કરવાની જે ડેટ હતી એ 22 ડિસેમ્બર 2022 ના રોજ હતી. પરંતુ વાત્રક નદીમાં છેલ્લા ત્રણ ઘણા પાણીના પ્રવાહને લીધે તેનું કામ પ્રગતિમાં થયું ન હતું. જેને લઈને હજી પણ કામ ચાલુ છે. ” આ બ્રીજના નુકશાન અંગે સ્પષ્ટતા કરતાં ડી.જે ઠક્કરે જણાવ્યું કે, “આ ઘટનામાં બ્રિજને કોઈપણ જાતનું નુકસાન નથી થયું. કારણ કે એક મહિના પહેલા અગાઉ જ ગડર મુકવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. અને પાણીના પ્રવાહને લીધે ટેકા એજન્સી કાઢી શકી ન હતી. અને પાણીનો પ્રવાહ એકંદરે વધી જતાં ગઈકાલના રોજ એ ટેકા એની અંદર ડૂબી ગયા છે. પણ સ્ટ્રકચર સંપૂર્ણ રીતે સેફ છે. અમારા કાર્યપાલક ઇજનેર દ્વારા ગઈકાલ ના રોજ સ્થળ તપાસ કરવામાં આવી છે, અને સ્ટ્રક્ચરની વિઝીટ કરવામાં આવી છે. અને આ ગાળામાં સ્લેબનું કાસ્ટિંગ કરેલું નથી. પાણીના પ્રવાહના લીધે કંટીન્યુઅસ મોનિટરિંગ કરીને સ્લેબનું કાસ્ટીંગ આપડે એજન્સીને કરવા દીધું નથી. એટલે જ્યારે પાણી ઓછું થશે અને ટેકા સ્ટેબલ રહી શકશે, એ પછી જ આગળની કામગીરી ચાલુ થશે.

કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે શું કહ્યું ડી જે ઠક્કરે?
તો આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે ડી.જે ઠક્કરે જણાવ્યું કે, ” આમાં બેદરકારી તો ના કહી શકાય કારણ કે, જે છેલ્લા ત્રણ ગાળા છે, કોન્ટ્રાક્ટર દ્વારા જે અગાઉના જે સાત ગાળા છે, એની કામગીરી તો સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ છેલ્લા ત્રણ ગાળા જે છે આઠ, નવ અને દસ નંબરના, ત્યાં વાત્રક નદીમાં સતત પાણીનો પ્રવાહ છે. જેના કારણે ફાઉન્ડેશનની કામગીરી ચાલુ નથી કરી શક્યા. અને આજે પણ કામગીરી કરવી હોય તો પાણીના પ્રવાહને લીધે કરી શકતા નથી. સ્લેબની કાસ્ટીંગની કામગીરી, એટલે એ કારણના લીધે થોડુ કામગીરી માં ડીલે થયું છે, પરંતુ વહેલી તકે કામગીરી પૂર્ણ કરશું.

ADVERTISEMENT

આ ઘટનામાં અધિકારી તો એવું કહી રહ્યા છે કે, બ્રિજનું અડધુ કામ તો સમય મર્યાદામાં પૂર્ણ થઈ ગયું. પરંતુ બ્રિજનું સંપૂર્ણ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું થતું હોય છે. શું આ અધિકારીને એટલી પણ ખબર નથી કે પછી કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીનો અધિકારી બચાવ કરી રહ્યા છે? તે પણ એક સવાલ ઊભો થાય છે.

ADVERTISEMENT

ડમીકાંડ મામલામાં 61 શખ્સો સામે ચાર્જશીટ થઈઃ આરોપીઓને કરાયા કોર્ટમાં હાજર

પુલના કામની દેખરેખની વિનંતી કરું છુંઃ માજી સરપંચ
આ અંગે વાસણા ખુર્દના માજી સરપંચ સુબોધભાઈ સુથારના જણાવ્યા અનુસાર , “જે પુલ બનાવવામાં આવી રહ્યો છે, લગભગ એક વર્ષથી અને એનું કામકાજ ચાલુ છે. થોડા સમય પહેલા જે સ્લેંટિંગ મારેલું હતું, તે નદીની અંદર પાણી આવવાથી સ્લેંટિંગ પડી ગયું છે, અને નદી ની અંદર ખેંચાઈ ગયું છે. હવે ખેંચાઈ ગયું છે તે આકસ્મિક છે. પણ હવે પછીથી એ સ્લેટિંગ ખેંચાઈ ગયા પછીથી જે ધાબુ છે એ ધાબા પર ક્રેકના થયેલું હોવું જોઈએ. તેની પૂરેપૂરી ચકાસણી થાય અને સરકારને વિનંતી કે આ પુલનું કામ સરળ રીતે આપની દેખરેખ નીચે થાય તેવી હું ગામ વતીથી વિનંતી કરું છું.”

બ્રિજને નુકસાન થયું છે કે નહીં તેની તકેદારી સરકાર લેઃ સ્થાનિક
તો ગામના સ્થાનિક સતીશ ચૌહાણના જણાવ્યા અનુસાર, “આ બ્રિજ જે છે, એ 10 ગામને જોડતો બ્રિજ છે. મહેમદાવાદથી નેશનલ હાઈવેને જોડતો આ બ્રિજ છે. તો જે બ્રિજના ટેકા નીચે પડી ગયા છે, પાણીમાં વહી ગયા છે. તો બ્રિજને કોઈ નુકસાન નથી થયું તેની તકેદારી સરકાર લે તે જરૂરી છે.”

આ ઘટનામાં એક વાત તો ચોક્કસ છે કે, જ્યારે કોઈ એજન્સી નદી ઉપર બ્રિજ બનાવવાની કામગીરી હાથમાં લે છે, ત્યારે તેના તમામ પાસાઓ નક્કી થયા બાદ જ કામ પૂર્ણ કરવાની તારીખ આપવામાં આવતી હોય છે. છતાંય અધિકારી આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને એજન્સીનો બચાવ કરી રહ્યા છે, કે નદીમાં પાણીનું વહેણ હોવાને કારણે બ્રિજ બનવાની કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. પરંતુ વરસાદને કારણે જૂન મહિનાથી એમ કહી શકાય કે નદીઓમાં નવા‌ નીર આવી રહ્યા છે. પરંતુ એ પહેલા કોન્ટ્રાક્ટરે શા માટે આ બ્રિજનુ કામ પૂર્ણ કરવાની તસ્દી લીધી નથી? એવો સવાલ સ્થાનિકોના મનમાં ઊઠ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT