Mehsana News: હરિયાણા પોલીસના નામે ગુજરાતમાં મોટો તોડ! વિસનગર પોલીસ પર 5 લાખ પડાવ્યાનો આરોપ

ADVERTISEMENT

Visnagar police
Visnagar police
social share
google news
  • મહેસાણાની વિસનગર પોલીસ પર 5 લાખનો તોડ કરવાનો આરોપ લાગ્યો.
  • હરિયાણા પોલીસની ધરપકડથી બચાવવા માટે પોલીસના વચેટીયાએ 5 લાખ લીધા.
  • પૈસા આપવા છતાં હરિયાણા પોલીસે યુવકની ધરપકડ કરતા સમગ્ર મામલો સામે આવ્યો.

Mehsana News: મહેસાણા પોલીસમાં વધુ એક તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. હરિયાણા પોલીસથી બચાવવા 5 લાખ લેનાર કહેવાતો મહેસાણા DySPનો વહીવટદાર જયસિંહ ભારે ફસાયો છે. પાંચ લાખ આપનાર તેમજ વહીવટદાર જયસિંહની ઓડિયો ક્લિપ ફરતી થતાં સમગ્ર તોડ કાંડ ચર્ચામાં આવ્યો છે. ત્યારે વિસનગર DySPએ સમગ્ર મામલો ઉપજાવી કાઢ્યો હોવાનુ કહી બચાવ કર્યો હતો.

પીડિતે મહેસાણા SPને અરજી આપી ન્યાય માગ્યો

વિસનગરના આથમણા ઠાકોરવાસમાં રહેતા અલ્પેશ ઠાકોરે મહેસાણા એસપીને આપેલી એક અરજીમાં વિસનગર DySP કચેરીમાં ફરજ બજાવતા અને વહીવટદાર તરીકે ઓળખાતા જયસિંહ દરબાર ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે. અરજીમાં કહેવાયું છે કે, તેમના કુટુંબી ભાઈ વિષ્ણુજી ઠાકોરને જયસિંહે ફોન કરીને તમારા કુટુંબી ભાઈ રાજેશજી ઠાકોરને પોલીસ ધરપકડ કરવા આવી છે, તો તમે મને તાત્કાલિક મારા ઘરે રાધે બંગ્લોઝમાં આવીને મળી જાઓ તેમ કહેલું. તે પછી દસ મિનિટ બાદ જયસિંહને મળ્યા ત્યારે તેને કહેવાયું કે, સીટી પોલીસ સ્ટેશન વિસનગર અમારી અંડરમાં આવે છે અને PI સિસોદિયા સાહેબ અમારા અંગત માણસ છે અને તેમનો વહીવટ હું જ સંભાળું છું અને મારે સિસોદિયા સાહેબ સાથે વાતચીત થયેલી છે.

DySPના વચેટીયાએ ફોન કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ

સિસોદિયા સાહેબે જણાવ્યું છે કે તમે મને તાત્કાલિક પાંચ લાખ રૂપિયા અપાવો તો હું મારી રીતે વહીવટ કરીને હરિયાણા પોલીસને પાછી મોકલી દઈશ અને રાજેશજીનો કેસ રફેદફે કરાવી દઈશ અને હવે પછી ક્યારેય હરિયાણા પોલીસ રાજેશજીને પકડવા નહીં આવે, તેનું નામ હરિયાણા પોલીસમાં લખાયેલું હશે તો પણ કઢાવી નાખીશું અને તમે ત્યાં કેસ લડવા જશો તો પણ ઘણા મોટા ખર્ચમાં ઉતરી જશો. તેના કરતાં સિસોદિયા સાહેબને રૂપિયા પાંચ લાખ આપી દો તેવી વાતચીત કરી હતી.

ADVERTISEMENT

ધરપકડથી બચાવવા માટે આપ્યા 5 લાખ

5 લાખ જેટલી રકમ મોટી હોવાથી ફરિયાદીએ એક દિવસનો સમય માંગ્યો હતો અને 5 લાખ જેટલી રકમ ભેગી કરીને અલ્પેશજી ઠાકોરે 2 ડિસેમ્બરના રોજ જયસિંહ સાથે થયેલી વાતચીત મુજબ વિષ્ણુજી ઠાકોરની ગાડીમાં તેઓ રાત્રે 12:30 વાગ્યા બાદ જયસિંહના ઘરે પહોંચ્યા હતા અને માગેલા 5 લાખ રૂપિયા તેમને હાથો હાથ આપ્યા હતા. તે સમયે જયસિંહે કહ્યું કે, હું આ પાંચ લાખ રૂપિયા સિસોદિયા સાહેબને પહોંચાડી દઈશ તેથી હવે તમે કોઈ ચિંતા કરતા નહીં, તમારા ભાઈ રાજેશજીનો કોઈ વાળ વાંકો નહીં કરે. હરિયાણા પોલીસ આવશે તો સિસોદિયા સાહેબ પાસેથી આ પૈસા પાછા મંગાવીને તમને દૂધે ધોઈને પરત આપી દઈશ તેવી વાત પણ કરી હતી.

હરિયાણા પોલીસ આવી અને તોડકાંડનો ભાંડો ફૂટ્યો

વહીવટદારને પાંચ લાખ ચૂકવી દીધા બાદ 6 ડિસેમ્બરના રોજ હરિયાણા પોલીસ વિસનગર રાજેશજીના ઘરે પહોંચી હતી અને રાજેશજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે અને તેની ધરપકડ કરવી જરૂરી છે તેથી તમે રાજેશને હાજર કરો તેવી વાત કરતા જ પરિવારજનો ચોંકી ગયા હતા, અને હરિયાણા પોલીસને રાજેશજી વિસનગર આવે તેવા તરત જ અમે તેને હાજર કરી દઈશું તેવી બાંહેધરી આપી હતી. ત્યારે બીજી બાજુ પાંચ લાખ જેટલી રકમ તથા હરિયાણા પોલીસ આવતા તેમને જયસિંહને ફોન કર્યો હતો. એમાં તેને બીજા દિવસમાં સાહેબ પાસેથી પૈસા મંગાવી પાછા આપી દઈશ તેવુ કહેતાં બંને ભાઈઓ શાંત પડી ગયા હતા. 5 લાખ જેટલી મોટી રકમ ગઈ અને સાથો સાથ ભાઈની પણ હરિયાણા પોલીસ પકડશે તેવા વિચાર માત્રથી ઠાકોર પરિવારની ઉંઘ હરામ થઈ ગઈ હતી.

ADVERTISEMENT

કહેવાતા વહીવટદાર જયસિંહે ધમકી આપતા પોલીસમાં અરજી

ફરિયાદી તેમજ તેમના ભાઈ વિષ્ણુજી કહેવાતા વહીવટદાર જયસિંહને DySP ઓફિસની નીચે રૂબરૂ મળવા ગયા હતા તે વખતે જયસિંહે તેમને કહ્યું કે, વિસનગરમાં અમારું રાજ ચાલે છે તમને પૈસા પાછા મળશે નહીં. તમારાથી થાય તે કરી લો. તમારી પાસે મને પૈસા આપ્યા ના કયા પુરાવા છે? અને તમે ગમે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશો તો પણ પોલીસ અમારા સ્ટાફનું જ રાખશે. તેવી ધમકી આપતા બંને ભાઈઓ ગભરાઈ ગયા હતા. ફરિયાદી અને વિષ્ણુજીને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપતો હોય તેમને મહેસાણા પોલીસવાળાને આ સંબંધે ફરિયાદ આપી જવાબદારો સામે પગલાં ભરવા માંગણી કરી હતી. સાથો સાથ આપેલા પાંચ લાખ રૂપિયા પરત અપાવવા પણ વિનંતી કરી હતી.

ADVERTISEMENT

DySPએ તમામ આરોપોને ફગાવ્યા

વિસનગર ડીવાયએસપી ડી. એમ. ચૌહાણે જણાવ્યું હતું કે, જયસિંહ વિસનગર ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવે છે પરંતુ તે કોઈ વહીવટદાર નથી તે હેન્ડીકેપ છે. તેની સામે જે આક્ષેપ થઈ રહ્યા છે તેવું હાલમાં કંઈ છે નહીં.

મહેસાણા પોલીસમાં વહીવટદારોનું રાજ

મહેસાણા જિલ્લા પોલીસમાં વહીવટદારોનું બહુ મોટું રાજ ચાલે છે. પોલીસ સ્ટેશનમાં તમારે કામ કરાવવું હોય તો પહેલા પીઆઈને નહીં પરંતુ વહીવટદારને મળવું ફરજિયાત છે. દારૂ જુગાર જ નહીં પરંતુ અરજીઓના નિકાલમાં પણ વહીવટદારોનો વહીવટ બોલતો હોય છે. મહેસાણા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોતાનો વહીવટદાર રાખીને મહિનાની કરતા હોવાની પણ ચર્ચા છે.

(કામિની આચાર્ય, મહેસાણા)

    follow whatsapp

    ADVERTISEMENT