પ્રગતિશીલ 'ગુજરાત'માં 5 વર્ષમાં 200 જિંદગીઓ ઓલવાઈ, 2022નું વર્ષ આખા દેશ માટે 'કાળ'

ADVERTISEMENT

Rajkot Gamezone Fire Updates
5 વર્ષમાં 200 જિંદગીઓ ઓલવાઈ
social share
google news

Rajkot Gamezone Fire Updates: રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે. હજુ તો લોકો મોરબી દુર્ઘટનાને ભૂલ્યા નથી ત્યાં તો મોરબીની નજીક આવેલા રાજકોટમાં ભયાનક આગ ફાટી નીકળી અને 28 જેટલા લોકો બળીને ભડથું થઈ ગયા. આ મામલે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે કોઈ દુર્ઘટનામાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા હોય, વર્ષ 2019થી લઈને 2024 સુધીના સમયગાળામાં અલગ-અલગ 5 દુર્ઘટનાઓમાં કુલ 200 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 

30 ઓક્ટોબર 2022ના રોજ 134ના મોત 

આ 5 દુર્ઘટનામાં એક દુર્ઘટના તો એવી બની હતી, 10 કે 20 નહીં 134 લોકોની જિંદગી ઓલવાઈ ગઈ હતી. આ દુર્ઘટનાથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો, તો આ બનાવ બાદ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા. કારણ કે દુર્ઘટનામાં 134 લોકોના કમકમાટીભર્યા મોત બાદ તંત્રએ પોતાના હાથ ઉઠાવી લીધા હતા અને કહ્યું હતું કે 'અમે તો મંજૂરી આપી જ નહોતી.' જી હા અમે વાત કરી રહ્યા છીએ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની, 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો, જેમાં માત્ર 3 સેકન્ડમાં જ 134 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતા. 

તંત્રએ ઉચા કરી દીધા હતા હાથ

મોરબીની મચ્છુ નદી પર રાજાશાહી કાલીન એક ઝુલતો બ્રિજ હતો. જેને ઓરેવા કંપની દ્વારા 2 કરોડના ખર્ચે રિનોવેટ કર્યો હતો. સીએફએલ અને LED બલ્બમાં 1 વર્ષની ગેરેંટી આપતી કંપનીએ બનાવેલો પુલ એક જ મહિનો ટક્યો હતો. 26 ઓક્ટોબર, 2022 ના દિવસે મોરબીનો ઝુલતો પુલ ખુલ્લો મુકાયો હતો. જેના પાંચ જ દિવસની અંદર તુટી ગયો હતો. જેમાં 134 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ ઓરેવાના MD જયસુખ પટેલ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યાર બાદ તપાસમાં આ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તેવા અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો હતો. જે બાદ તેણે સરેન્ડર કર્યું હતું અને તેને જેલ હવાલે કરાયો હતો. 

ADVERTISEMENT

સુપ્રીમમાંથી મળ્યા હતા જામીન

મોરબી પુલ દુર્ઘટના મામલે 27 જાન્યુઆરી 2023એ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો હતો. પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું હતું. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ લાંબા સમયથી જેલમાં બંધ હતો. તેણે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે  14 મહિનાથી જેલમાં બંધ જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતે જામીન મંજૂર કર્યા છે.  

સુરતમાં 22 માસુમોએ ગુમાવ્યા હતા જીવ

24 મે,2019ના રોજ સુરતમાં આવેલી તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગી હતી.  શહેરના સરથાણા વિસ્તારમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડ દુર્ઘટનાના કારણે આખા સુરત સહિત સમગ્ર દેશમાં આસુઓનું પુર આવી ગયુ હતું. આ ઘટના જોઇને દરેકની આંખોમાં આંસુ હતા. કારણે આ અગ્નિકાંડની ઘટનામાં 22 માસુમ વિદ્યાર્થીઓ હોમાયા હતા. ટ્યુશન ક્લાસમાં અભ્યાસ દરમિયાન અચાનક આગ લાગતા બાળકોમાં અફરા તફરી મચી ગઈ હતી, વિદ્યાર્થીઓ આગથી બચવા ત્રીજા અને ચોથા માળેથી કૂદવા લાગ્યા હતા. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓના દુઃખદ અવસાન થયા હતા. તક્ષશિલા અગ્નિકાંડે વિકાસના નામે ચાલતા માર્કેટિંગને ઉઘાડું પાડી દીધું હતું. 23 માર્ચે સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ સમયે ખબર પડી કે તંત્ર પાસે એટલે ઉંચે સુધી પહોંચે એવી સીડી જ નથી. આ દુર્ઘટના બાદ અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર, પરાગ મુન્શી, વિનુ પરમાર, દીપક નાયક, જિજ્ઞેશ પાઘડાલ, કીર્તિ મોડ, સંજય આચાર્ય, જયેશ સોલંકી, ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા અને સવજી પાઘડાલ સામે ગુનો નોંધાયો હતો. 

ADVERTISEMENT

કાંકરિયા ખાતે સર્જાઈ હતી દુર્ઘટના

આ જ વર્ષે એટલે કે વર્ષ 2019ના જુલાઈ મહિનામાં અમદાવાદના કાંકરિયા ખાતે ડિસ્કવરી રાઈડ અચાનક તૂટી પડી હતી. અહીં સૌથી ધ્યાન આપવા જેવી વાત તો એ છે કે ડિસ્કવરી રાઈડનું 6 દિવસ પહેલા જ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતુ, રાઈડના નટ બોલ્ટ બદલવાનો રિપોર્ટ પણ અપાયો હતો. છતાં બેદરકારી દાખવતા રાઈડ તૂટી પડી હતી. 15 જુલાઈ 2019ના રોજ સાંજે 5.30 વાગ્યે એડવેન્ચર એમ્યુઝમેન્ટ પાર્કની ડિસ્કવરી રાઈડ (ઝૂલા રાઇડ) એકાએક 30 ફૂટની ઊંચાઈએથી તૂટી પડી હતી, જેમાં 2 વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં હતા, તો 29 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના તંત્ર પર અનેક સવાલો ઉભા થયા હતા. 

ADVERTISEMENT

હરણીબોટ દુર્ઘટનામાં 14 લોકોએ ગુમાવ્યા હતા જીવ

તો આ વર્ષે જ 2024માં વડોદરા (Vadodara) શહેરમાં કાળજું કંપાવનારી ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે (Harni Lake) આવ્યા હતા. જ્યાં બોટ પલટી જતાં એક દુર્ઘટના સર્જાઈ હતી. હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા.વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે FSL રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, ક્ષમતા કરતા વધુ બાળકો ભરવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. બોટ ઓવરલોડ હતી અને ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં બેસાડવામાં આવ્યા હતા. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટનું વજન દોઢ ટન જેટલું થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. આવી જગ્યાએ 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા હોવાથી ટર્ન લેતી વખતે બોટ પલટી મારી ગઈ હતી. તો સ્કૂલના સંચાલકોએ પણ પ્રવાસ માટે DEO પાસેથી કોઈ મંજૂરી લીધી નહોતી. જેને લઈને સ્કૂલે પોતાની ભૂલ સ્વીકારતા DEOએ કાર્યવાહી શરૂ કરી હતી


5 વર્ષમાં અલગ-અલગ દુર્ઘટનામાં 200 લોકોના મોત

- 24 મે, 2019ના રોજ સુરત તક્ષશિલાકાંડમાં 22 લોકોએ ગુમાવ્યા જીવ
- 15 જુલાઈ, 2019ના રોજ કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં 2 લોકોના નીપજ્યા હતા મૃત્યુ
- 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબી બ્રિજ દુર્ઘટનામાં 134 લોકોના નિપજ્યાં હતા મૃત્યુ
- 18 જાન્યુઆરી, 2024ના રોજ હરણી તળાવમાં બોટ પલટી મારી જતાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ સહિત 14ના મોત નિપજ્યાં હતા.
- 25 મે, 2024ના રોજ રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ નિપજ્યાં છે.


 

    follow whatsapp

    ADVERTISEMENT