રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો, કમલમ ખાતે જોહરની ચીમકી ઉચ્ચારી
Rajkot News: ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કરી દીધો છે અને આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
Rajkot News: રાજકોટથી ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમમાં આપેલા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરીને માંગ કરવામાં આવી રહી છે કે તેમની ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે. આ વચ્ચે હવે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કરી દીધો છે અને આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: 'બોયકોટ રૂપાલા': ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાનું ક્ષત્રિય સમાજને સમર્થન, રાજકોટમાં લગાવ્યા પોસ્ટરો
પદ્મિનીબાએ કર્યો અન્નનો ત્યાગ
રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા પદ્મિનીબા વાળાએ આશાપુર માના મંદિર ખાતે અન્નનો ત્યાગ કરી દીધો છે. તેમણે કહ્યું કે, રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય તેવી અમારી માંગણી હતી. અમારા ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ. મારા ભાઈઓ-બહેનો કેટલા દિવસથી ન્યાય માટે હેરાન થઈ રહ્યા છે. જો અમને ન્યાય નહીં મળે તો હું ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે ગાંધીનગર કમલમ ખાતે કૂચ કરીશ અને ત્યાં જોહર કરીશ.
આ પણ વાંચો: Gujarat Weather: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો 5 દિવસ કેવું રહેશે હવામાન
'અમારી માંગ રૂપાલાની ટિકિટ રદની જ રહેશે'
નોંધનીય છે કે, અમદાવાદમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આજે એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં હવે પદ્મિનીબાને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે બાદ તેઓ અમદાવાદ બેઠકમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે. બેઠકમાં હાજરી આપવા જતા પહેલા તેમણે સ્પષ્ટ કહ્યું કે, અમારી માંગ તો રૂપાલાની ટીકીટ રદની જ રહેશે, અન્નનો ત્યાગ પણ યથાવત રહેશે, બેઠકમાં કોઈપણ નિર્ણય લેવાય અમારી માગ ટિકિટ રદ્દ કરવાની જ રહેશે. 2-5 લોકો સમાજના બાપ બનવાનો પ્રયાસ ન કરે.
ADVERTISEMENT
(રોનક મજિઠિયા, રાજકોટ)
ADVERTISEMENT