VIDEO : તોફાની વરસાદ બાદ સુરતના રોડ બન્યા 'સ્વિમિંગ પુલ', અડધું શહેર પાણી પાણી, જનજીવન અસ્તવ્યસ્ત

Gujarat Tak

ADVERTISEMENT

Surat Rain Update
સુરતમાં જળબંબાકાર વરસાદ
social share
google news

Surat Heavy Rain : ગુજરાતના સુરત, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે સુરત જિલ્લામાં ગઈકાલ (રવિવાર) સાંજે 6 વાગ્યાથી અવિરત વરસાદથી ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરત શહેરમાં મેઘરાજા તોફાની મિજાજ સાથે ત્રાટક્યા હતા. થોડી કલાકોમાં જ સુરત શહેરના રસ્તા, સોસાયટીઓ પાણી પાણી થયા હતા. અનેક જગ્યાઓ પર કમર સુધી પાણી ભરાયા હતા અને વાહનો ડુબ્યા હતા. ટુ-વ્હિલર અને ફોર-વ્હિલર જેવા વાહનો બંધ પડતા પાણીમાં જ છોડી દેવા પડ્યા હતા. તો કેટલાક લોકો ટુ-વ્હિલર પાણીમાં દોરીને લઈ જતા જોવા મળ્યા. આમ, શહેરમાં અવરજવર ઠપ થઈ હતી. વરસાદના કારણે સુરતમાં અનેક જગ્યાએ ભારે નુકસાન થયું છે. બીજી બાજુએ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આ સિવાય અડાજણ ગામમાં મોટું બેનર ધડાકાભેર નીચે પડી ગયું હતું જેના કારણે નીચે ઉભેલી બાઈકને નુકસાન થયું હતું પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.

સુરતના આ વિસ્તારોમાં પાણી ભરાયા

સુરત શહેરના વેડરોડ, ડભોલી, ઉધના, લિંબાયત, પાંડેસરા, ઉધના દરવાજા, સહારા દરવાજા, વરાછા ગરનાળા, નાનપુરા, કાદરશાની નાલ, સલાબતપુરા, કતારગામ, સિંગણપોર, રાંદેર, પરવત પાટિયા, એલ.પી. સવાણી રોડ, અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં અડધો કલાકમાં જ પાણી ભરાયા હતા. તો નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના ઘરથી નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે સાંજે સુરત શહેરને વરસાદે જળબંબાકાર બનાવી દીધું હતું. પાણી ભરાયા બાદ અનેક માર્ગો આપમેળે બંધ થઈ જતાં ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજના ચેમ્બર પાસે કચરો ભરાવાના કારણે પાણીના નિકાલમાં સમસ્યા સર્જાઈ હતી. આ સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં રાતે 11 વાગ્યા સુધી પાણી ઉતર્યા ન હોવાની સ્થિતિ જોવા મળી હતી. 

સુરત શહેરમાં જ ડુમસ બીચ જેવા દ્રશ્યો

રવિવારે રજાનો દિવસ હોય અને વરસાદ વરસે તો વાતાવરણની મોજ માણવાની ખેવના સુરતવાસીઓએ રાખી હતી. પરંતુ વરસાદમાં નાહ્વાની સાથે ડુમસના દરિયામાં નાહ્વા જેવી સુરતવાસીઓએ મજા માણી હતી. સુરત કરંજ વિસ્તારમાં બોમ્બે માર્કેટ રોડ પર પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોએ નાહ્વાની મજા માણી હતી. બીજી તરફ કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

VIP રોડ પર નદીઓ વહી

ભારે વરસાદ થતા શહેરના VIP રોડ પર પાણી ભરાયા છે. વેસુ વીઆઈપી રોડ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. પાણીના વહેણમાં મોપેડ, બાઈક તણાતી જોવા મળી હતી. જ્યારે વેસુ વીઆઈપી રોડ પર કાર ડૂબેલી જોવા મળી હતી. ભગવાન મહાવીર યુનિવર્સિટી અને કોલેજની બહાર પાણી ભરાવવાથી વાહન વ્યવહારમાં મુશ્કેલી ઉભી થઇ છે.

કડોદરા હાઈવે પાણીમાં ગરકાવ

ધોધમાર વરસાદને પગલે કડોદરા હાઇવે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. હાઇવે પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાઇવે પર ઘૂંટણસમા ધસમસતા પાણી વહેતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..

ADVERTISEMENT

ભટાર-પુણા વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ

ભટાર રોડ પર એક બાજુનો રસ્તો બંધ થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પુણા વિસ્તારમાં ભયાનગરમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. વરિયાવી બજાર પાસે પાણી ભરાઈ જતાં કતારગામ દરવાજાથી મુગલીસરાનો રસ્તો બંધ કરી દેવાયો હતો. ડભોલી, વેડરોડમાં પણ પાણી ભરાયા બાદ વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. 

ADVERTISEMENT

બલેશ્વરની ખાડીમાં પૂરની સ્થિતિ, નેશનલ હાઇવે પાણી પાણી

બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા હતા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. પાણી હાઇવે પર આવવા 3થી 4 કિમીનો લાંબો રન કાપવા લોકો મજબૂર બન્યા હતા. બીજી તરફ ખાડીની સામે પાર રહેતાં 40 પરિવારોને જળભરાવને લઇ હાલાકી ઉભી થઇ છે. માત્ર ચાર ઇંચ વરસાદથી બલેશ્વરની ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે.

સુરત-નવસારી રોડ પર પાણી ભરાયા

સુરતમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે સુરત-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.

લિંબાયત અંડરપાસ પાણીમાં ગરકાવ

લિંબાયત રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં વાહનોની અવરજવર પ્રભાવિત થઇ હતી. વાહન વ્યવહાર માટે વૈકલ્પિક ઓવરબ્રિજ તૈયાર કરાયેલો છે. પરંતુ ઓવરબ્રિજ દૂર પડતો હોવાથી રેલવે અંડરપાસનો જ ઉપયોગ શહેરીજનો કરતા હોય છે. અંડરબ્રિજમાં પાણી ભરાયા બાદ ધંધાર્થીઓ અને સામાન્ય કામદાર લોકોને ભારે હાલાકી ઉભી થઇ છે.

કિમ નદી બે કાંઠે

વરસાદ બાદ સુરતની કિમ નદી બે કાંઠે વહી રહી છે. કિમ નદીના પટમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા છે. તંત્રએ નદીની પાસે ન જવા ગ્રામજનોને સૂચના આપી છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT