અમદાવાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની મેચ આવતી કાલે યોજાવા જઇ રહી છે. આ મેચ પહેલા ભારતીય ટીમ માટે સૌથી મોટું ટેન્શન યુવા ઓપનર શુભમન ગિલની ફિટનેસ અંગેનું હતું. જો કે ગિલને ડેન્ગ્યું થવાના કારણે તેને આરામ કરવા માટેની સલાહ આપવામાં આવી હતી. જેથી તે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં રમી શક્યો નહોતો. જો કે પાકિસ્તાન સામેની હાઇવોલ્ટેજ મેચ તે રમી શકશે કે કેમ તે અંગે ભારે અસમંજસ હતી. ફેન્સ ઇચ્છતા હતા કે શુભમન ગીલ મેચ રમે અને તે અંગે કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
રોહિત શર્માએ પત્રકાર પરિષદ આયોજીત કરી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આજે પત્રકાર પરિષદ આયોજીત કરી હતી. આ પત્રકાર પરિષદમાં તેણે મેચ અંગે અને ગિલ અંગે પણ ખુબ જ મહત્વની ચર્ચા કરી હતી. અમે પાકિસ્તાન સામેની મેચને પણ અન્ય મેચની જેમ જ જોઇ રહ્યા છીએ. અંતિમ બે મેચ રમ્યા એવી જ રીતે આવતીકાલની મેચ પણ રમીશું. આ ઉપરાંત મેચને લઇને અનુભવાતા પ્રેશર પર રોહિત શર્માએ કહ્યું કે, પોતાના જ દેશમાં અને પોતાના જ દેશના દર્શકો હોય ત્યારે પ્રેશર જેવું કંઇ લાગતું નથી. શુભમન ગિલની વાપસી અંગે રોહિત શર્માએ નિવેદન આપ્યું કે, ગિલ આવતી કાલની મેચમાં 99.99 % હાજર રહેશે.
BCCI પૂર્વ ચીફ સિલેક્ટરનું નિવેદન
BCCI પૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે, શુભમન ગિલ ચોક્કસ રીતે આ મેચ રમશે. તેઓને માત્ર તાવ આવ્યો હતો. જો કે હવે તે સંપુર્ણ સ્વસ્થ છે. ગિલ સાવચેતીના ભાગરૂપે બીજી મેચ નહોતો રમ્યો પરંતુ તેઓ સ્વસ્થ તો થઇ જ ગયા હતા. તેમને ડિસ્ચાર્જ પણ કરીદેવાયા છે. પાકિસ્તાન સામે આ એક મહત્વની મેચ છે. જો તે ફિટ છે તો મને ખાતરી છે કે તે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં આવતીકાલે ચોક્કસ રીતે રમશે.
ADVERTISEMENT