ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હારી ગઈ. ઓસ્ટ્રેલિયાએ ટાઈટલ મેચમાં ભારતને હરાવી ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 240 રન બનાવ્યા હતા. જવાબમાં ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટ્રેવિસ હેડે 137 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ હવે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ લંબાય છે કે નહીં. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ રાહુલ દ્રવિડે કહ્યું કે હું આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપને લઈને નથી વિચારી રહ્યો, હું અત્યારે ભવિષ્ય વિશે કંઈ કહી શકું તેમ નથી.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાએ 2011માં જીત્યો હતો વર્લ્ડ કપ
ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2011માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે કોચ ગેરી કર્સ્ટન હતા. 2015માં ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. તે સમયે કોચ ઝિમ્બાબ્વેના ડંકન ફ્લેચર હતા. વર્લ્ડ કપમાં હાર બાદ ફ્લેચરને કોચ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી રવિ શાસ્ત્રી ટીમ સાથે જોડાયા હતા. જોકે, બાદમાં અનિલ કુંબલે નવા કોચ બન્યા હતા. પરંતુ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં હાર બાદ કુંબલે અને તે સમયના ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે મતભેદો થઈ ગયા હતા. આ પછી કુંબલેની જગ્યાએ રવિ શાસ્ત્રીને નવા કોચ બનાવવામાં આવ્યા હતા.
રવિ શાસ્ત્રી બાદ દ્રવિડને બનાવાયા કોચ
વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ 2019 વનડે વર્લ્ડ કપમાં, 2021માં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અને 2021ના T20 વર્લ્ડ કપમાં હારી ગઈ. એટલે કે આ સમયગાળા દરમિયાન ટીમ ICC ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહી. આ પછી શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવવામાં આવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને ત્રણેય ફોર્મેટની કમાન મળી હતી.
જાણો કોણ બની શકે છેનવા કોચ?
રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા અત્યાર સુધી આઈસીસી ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી શકી નથી. 2022ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. 2023માં પ્રથમ ટીમ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. આ પછી હવે ટીમે વનડે વર્લ્ડ કપનો ખિતાબ પણ ગુમાવ્યો છે. દ્રવિડ બાદ VVS લક્ષ્મણને ટીમના નવા કોચ બનાવવામાં આવી શકે છે. હાલમાં તેઓ NCAના વડા છે.
2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન
હવે BCCI અને ટીમ મેનેજમેન્ટે નક્કી કરશે કે શું રાહુલ દ્રવિડને ટીમના કોચિંગની જવાબદારી સોંપવી કે પછી આ જવાબદારી કોઈ નવા વ્યક્તિત્વને સોંપવી. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ટીમ ઈન્ડિયા હવે નવા અને યુવા ખેલાડીઓ પર વધુ વિશ્વાસ મુકશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો રમશે.
ADVERTISEMENT