અમદાવાદ: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર વિરાટ કોહલી IPL 2023માં પણ ધમાલ મચાવી રહ્યો છે. ગઈકાલે SRH સામેની મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. ત્યારે વિરાટ કોહલીના ઈન્ટરવ્યૂનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના જર્સી નંબર 18 વિશે કેટલાક ખુલાસા કરે છે.
ADVERTISEMENT
2008માં પહેલીવાર 18 નંબરની જર્સી પહેરી
વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેણે ભારતીય ટીમ માટે પ્રથમ વખત રમવાનું શરૂ કર્યું ત્યારથી તે આ 18 નંબરની જર્સી પહેરે છે. તેણે કહ્યું કે, વર્ષ 2008માં હું ભારત માટે અંડર-19 વર્લ્ડ કપમાં પહેલીવાર રમ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી ભારતીય ટીમનો કેપ્ટન હતો અને તેની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
18 તારીખના રોજ જીવનમાં બે મોટી ઘટના બની
18 નંબરની પાછળ વાત કરતાં વિરાટે કહ્યું, ‘સાચું કહું તો 18ની શરૂઆત માત્ર એક નંબરથી થઈ હતી, જે મને ત્યારે મળ્યો જ્યારે હું અંડર-19માં પહેલીવાર ભારત તરફથી રમ્યો હતો. મેં ક્યારેય આ નંબર માંગ્યો નથી, મને તે મળી ગયો. વિરાટે કહ્યું, ‘પરંતુ હવે તે મારા જીવન માટે ખૂબ જ ખાસ નંબર બની ગયો છે. મેં ભારત માટે 18 ઓગસ્ટ 2008ના રોજ ડેબ્યુ કર્યું હતું. મારા પિતાનું 18 ડિસેમ્બર 2006ના રોજ અવસાન થયું. મારા જીવનમાં બે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ માત્ર 18 ના રોજ બની હતી. વિરાટે કહ્યું, ‘તેનું કોઈ દૈવી જોડાણ હોવું જોઈએ.’
તે આગળ કહે છે કે, જ્યારે પણ તે ભીડમાં લોકોને 18 નંબરની જર્સી પહેરીને જુએ છે ત્યારે તે ખૂબ જ ખાસ અનુભવે છે. કારણ કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ આવી ઘટના આવશે. જ્યારે હું નાનો હતો ત્યારે મને લાગતું હતું કે કોઈ દિવસ હું પણ મારા હીરોની જર્સી પહેરીશ. વિરાટ કોહલીએ IPLમાં પણ પોતાની જર્સીનો 18 નંબર પસંદ કર્યો હતો.
ADVERTISEMENT