Virat Kohli Retirement From T20 Cricket: રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ શનિવારે (29 જૂન) T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને વર્લ્ડ કપ જીત્યો છે. આજની મેચમાં મેન ઓફ ધ મેચ વિરાટ કોહલી રહ્યો છે. તો આજની જીત બાદ વિરાટ કોહલીએ ફેન્સને ઝટકો આપ્યો છે. કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે કહ્યું કે આ તેની છેલ્લી T20 મેચ છે.
ADVERTISEMENT
કોહલીએ ખિતાબ જીત્યા બાદ કર્યું એલાન
ફાઈનલ જીત્યા બાદ કોહલીએ કહ્યું, 'આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, અમે આ જ હાંસલ કરવા ઈચ્છતા હતા. એક દિવસ તમને લાગે છે કે તમે રન નથી બનાવી શકતા અને એવું થઈ જાય છે, બસ તક હતી, હવે કે ક્યારેય નહીં જેવી સ્થિતિ. આ ભારત માટે મારી છેલ્લી T20 મેચ હતી. અમે તે કપ ઉપાડવા માગતા હતા.
કોહલીએ કહ્યું, 'હા, હું જીત્યો છું, તે એક ખુલ્લું રહસ્ય હતું. એવું કંઈ નહોતું જે હું હારી ગયા બાદ પણ જાહેર કરવાનો ન હતો. હવે સમય આવી ગયો છે કે આવનારી પેઢી T20 રમતને આગળ લઈ જાય. આઈસીસી ટૂર્નામેન્ટ જીતવા માટે અમને લાંબા સમયથી રાહ હતી. તમે રોહિત જેવા ખેલાડીને જુઓ તે 9 T20 વર્લ્ડ કપ રમ્યો છે અને આ મારો છઠ્ઠો છે. તે તેને લાયક છે.
કોહલીની શાનદાર ફિફ્ટીએ ટીમને ચેમ્પિયન બનાવી
ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ બાજી સંભાળી અને 5માં નંબર પર બેટિંગ કરવા આવેલા અક્ષર પટેલ સાથે 72 રનની ભાગીદારી કરી.
આ પછી કોહલીએ 48 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ ફિફ્ટી હતી. કોહલીએ 59 બોલમાં કુલ 76 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં શિવમ દુબેએ 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. બીજી તરફ આફ્રિકા તરફથી સ્પિનર કેશવ મહારાજ અને ઝડપી બોલર એનરિક નોર્સિયાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે માર્કો જાન્સેન અને કાગીસો રબાડાએ 1-1 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT