Virat Kohli and Rohit Sharma: રોહિત શર્મા અને વિરાટ કોહલી વર્ષો પછી ગૌતમ ગંભીરના આદેશ બાદ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે. કોહલી 12 વર્ષ બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં અને રોહિત લગભગ 9 વર્ષ બાદ જોવા મળી શકે છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળતાની સાથે જ ગંભીરે સંકેત આપી દીધા હતા કે ટીમ ઈન્ડિયાના મોટા ખેલાડીઓએ પણ ઓફ સીઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. શ્રીલંકા પ્રવાસ બાદ ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ દરમિયાન લગભગ 43 દિવસનો બ્રેક છે અને આ બ્રેક દરમિયાન કોહલી અને રોહિત ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
વિરાટ-રોહિત રમશે ડોમેસ્ટિક ક્રિકેટ
બાંગ્લાદેશ સામે આવતા મહિને રમાનારી ટેસ્ટ શ્રેણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિ મોટો નિર્ણય લઈ શકે છે. બંને સ્ટાર ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં જોવા મળી શકે છે. કોહલીએ છેલ્લે વર્ષ 2012માં અને રોહિત શર્માએ વર્ષ 2016માં ડોમેસ્ટિક ક્રિકેટ રમી હતી. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રોહિત અને કોહલી સ્ટાર-સ્ટડેડ દુલીપ ટ્રોફી ટીમનો ભાગ બની શકે છે, જેની પસંદગી BCCI વરિષ્ઠ પસંદગી સમિતિ કરશે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને પસંદગી સમિતિ ઇચ્છે છે કે તમામ ખેલાડીઓ આ ટ્રોફી માટે ઉપલબ્ધ હોય, જે 5 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સિઝનમાં નવા ફોર્મેટમાં રમાશે.
આ ખેલાડીઓને દિલીપ ટ્રોફી રમવાનો આદેશ
રિપોર્ટ અનુસાર, શુભમન ગિલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલને પણ આ ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, જસપ્રીત બુમરાહ ટૂર્નામેન્ટ નહીં રમે કારણ કે તેને લાંબા સમયથી આરામ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, પસંદગીકારો બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં તેની પસંદગી અંગે પણ ચર્ચા કરશે.
વાસ્તવમાં, ભારતે આગામી ચાર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ મેચ સહિત કુલ 10 ટેસ્ટ રમવાની છે. બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં પિચ સ્પિન ફ્રેન્ડલી હોવાની અપેક્ષા છે. મોહમ્મદ શમીની વાપસીની આશા છે. આવી સ્થિતિમાં બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.
દુલીપ ટ્રોફી માટે, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ચાર ટીમો પસંદ કરશે - ઈન્ડિયા એ, ઈન્ડિયા બી, ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી, જે આ ટુર્નામેન્ટમાં રમશે. દુલીપ ટ્રોફીની છ મેચો 5 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં 19 સપ્ટેમ્બરથી રમાશે. જોકે, એ સ્પષ્ટ નથી કે રોહિત અને કોહલી 5 સપ્ટેમ્બરે દુલીપ ટ્રોફીની શરૂઆતની મેચ રમશે કે 12 સપ્ટેમ્બરથી શરૂ થનારી બીજા રાઉન્ડની મેચ. રિપોર્ટ અનુસાર સીરિઝની શરૂઆતની મેચ પહેલા BCCI ચેન્નાઈમાં એક નાનકડા કેમ્પનું આયોજન પણ કરી રહ્યું છે. જો આમ થશે તો સ્ટાર્સ દુલીપ ટ્રોફીનો પ્રથમ રાઉન્ડ રમશે.
ADVERTISEMENT