Vinesh Phogat Retirement: ભારતીય રેસલર વિનેશ ફોગાટે કુસ્તીને અલવિદા કહી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, મને માફ કરજે, તારું સપનું-મારી હિંમત બધું તૂટી ગયું છે, હવે આનાથી વધારે તાકાત નથી રહી. અલવિદા કુસ્તી 2001-2024.' તેમણે માફી માંગતા કહ્યું કે 'હું તમારા બધાની ઋણી રહીશ.' આપને જણાવી દઈએ કે, વિનેશ ફોગાટે તેમના હરીફ સામે સેમિફાઈનલ મેચ 5-0ના માર્જિનથી જીતી હતી અને ઓલિમ્પિક ફાઈનલમાં ક્વોલિફાય થનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ હતા.
ADVERTISEMENT
ઓલિમ્પિકમાં જે બન્યું તેનાથી વિનેશ ફોગાટ દુ:ખી
વિનેશ ફોગાટ સાથે જે કંઈપણ બન્યું તેનાથી આખો દેશ દુઃખી છે અને વિનેશ ફોગાટના ટ્વિટથી સ્પષ્ટ થાય છે કે પેરિસ ઓલિમ્પિકમાં તેમની સાથે જે થયું તેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે અને તેના પરિણામે જ તેમણે આ મોટો નિર્ણય લઈ લીધો છે. વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. વિનેશ ફોગાટે કહ્યું હતું કે તેમને આ ઈવેન્ટ માટે સિલ્વર મેડલ આપવો જોઈએ.
100 ગ્રામ વધારે વજનના કારણે કરાયા ડિસ્ક્વોલિફાય
રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યા હતા. 50 કિગ્રા કેટેગરીમાં તેમનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ ફોગાટ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ વજન વધારે હોવાને કારણે તેમને ફાઈનલ મેચના કલાકો પહેલા જ ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા હતા. એવામાં નિયમોના કારણે તેઓ સેમિફાઇનલ જીત્યા પછી પણ મેડલ ચૂકી ગયા.
ફોગાટે યુઇ સુસાકીને હરાવી હતી
ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટ ફાઈનલમાં પહોંચ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ ગોલ્ડ મેડલ જીતશે. વિનેશ ફોગાટે મંગળવારે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવી હતી. વિનેશ ફોગાટની ફાઈનલ યુએસએની એન સારા હિલ્ડેબ્રાન્ડ સામે થવાની હતી. અગાઉ તેઓએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન યુઇ સુસાકીને 50 કિગ્રામાં હરાવી હતી.
ADVERTISEMENT