USA vs PAK: T20 WCમાં અમેરિકાએ સર્જ્યો મોટો અપસેટ, 'ભારતીયો' સામે હાર્યું પાકિસ્તાન

USA vs Pak T20 World Cup: અમેરિકાએ T20 વર્લ્ડ કપ 2024નો પહેલો મોટો અપસેટ સર્જ્યો છે. તેણે ગ્રુપ A મેચમાં 2009ના ચેમ્પિયન પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવ્યું છે. આ મેચ ડલાસ, ટેક્સાસના ગ્રાન્ડ પ્રાયરી સ્ટેડિયમમાં રમાઈ હતી.

USA vs PAK

USA vs PAK

follow google news

USA vs Pak T20 World Cup: અમેરિકાએ T20 વર્લ્ડ કપ 2024નો પહેલો મોટો અપસેટ સર્જ્યો છે. તેણે ગ્રુપ A મેચમાં 2009ના ચેમ્પિયન પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવ્યું છે. આ મેચ ડલાસ, ટેક્સાસના ગ્રાન્ડ પ્રાયરી સ્ટેડિયમમાં રમાઈ હતી. વાસ્તવમાં, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાની ટીમ પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. કેપ્ટન મોનાંક પટેલે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. આ પછી મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.

સુપર ઓવરમાં પાકિસ્તાનની 5 રને હાર

મોહમ્મદ આમિરે સુપર ઓવરમાં દિશાહીન બોલિંગ કરી અને સાત વાઈડ સહિત 18 રન આપ્યા, ત્યારબાદ અમેરિકા માટે સુપર ઓવર ફેંકનારા સૌરભ નેત્રાવલકરે ખૂબ જ રોમાંચક મેચમાં માત્ર 13 રન આપ્યા. વર્લ્ડ કપની મેચમાં USએ ભૂતપૂર્વ ચેમ્પિયન પાકિસ્તાન પર પાંચ રનથી અપસેટ જીત મેળવી હતી, જે તેની સતત બીજી જીત છે. આમિરની સુપર ઓવરમાં અમેરિકાએ એરોન જેમ્સ (11) અને હરમીત સિંહ (00 અણનમ)ની ઇનિંગની મદદથી એક વિકેટે 18 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ નેત્રાવકરની ઓવરમાં એક વિકેટે 13 રન જ બનાવી શકી હતી.

પાકિસ્તાન 'ભારતીયો' સામે હારી ગયું

અમેરિકાની જીતમાં કેપ્ટન મોનાંક પટેલ અને સૌરભ નેત્રાવલકરનું મહત્વનું યોગદાન હતું. અમેરિકાના ચેઝમાં મોનાંકે 50 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, સૌરભે સુપર ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને 19 રન બનાવવા દીધા ન હતા. લેફ્ટ હેન્ડના મધ્યમ ઝડપી બોલર સૌરભનો જન્મ 1991માં મુંબઈમાં થયો હતો. તેણે 2008-09 કૂચ બિહાર ટ્રોફીમાં છ મેચમાં 30 વિકેટ લીધી હતી. આ પછી તેને 2010 અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ પહેલા, તે દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

સોફ્ટવેર એન્જિનિયર છે સૌરભ નેત્રલવકર

આ પછી, ન્યુઝીલેન્ડમાં આયોજિત 2010 અંડર-19 વર્લ્ડ કપમાં સૌરભ કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલ સાથે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. બાકીના ત્રણ ખેલાડીઓએ સિનિયર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ સૌરભ ચુકી ગયો હતો. આ પછી તેણે રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી સહિત અન્ય ભારતીય ડોમેસ્ટિક ટુર્નામેન્ટ પણ રમી. જો કે, કંઈક સારાની શોધમાં, તે અમેરિકા ગયો અને ત્યારથી તે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે અમેરિકન ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. સૌરભ અમેરિકાની કંપની ઓરેકલમાં એન્જિનિયર તરીકે કામ કરે છે.

આણંદનો મોનાંક પટેલ છે USAનો કેપ્ટન

જ્યારે USના કેપ્ટન મોનાંક પટેલનો જન્મ 1993માં ગુજરાતના આણંદમાં થયો હતો. આ વિકેટકીપર બેટ્સમેને 2018 માં અમેરિકા માટે રમવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી તે તે જ ટીમ માટે રમી રહ્યો છે. મોનાંક અંડર-16 અને અંડર-18 ક્રિકેટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. મોનાંકને 2010માં ગ્રીન કાર્ડ મળ્યું અને 2016માં કાયમી ધોરણે અમેરિકા શિફ્ટ થઈ ગયો. તે 2018થી અમેરિકા માટે રમી રહ્યો છે. સૌરભ અને મોનાંક ઉપરાંત હરમીત સિંહ પણ આ ટીમનો એક ભાગ છે. 2012 માં, હરમીતે ઉન્મુક્ત ચંદની કપ્તાની હેઠળ ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ રમ્યો અને ભારતને ટાઇટલ જીતવામાં મદદ કરી.

    follow whatsapp