Team India: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ હવે 19 સપ્ટેમ્બરે ક્રિકેટના મેદાનમાં ઉતરવાની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ મેચ સવારે 9.30 વાગ્યાથી રમાશે. જ્યારે બાંગ્લાદેશ સામેની આ બે મેચની ટેસ્ટ સીરીઝ માટે જ્યારે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવશે ત્યારે કેપ્ટન રોહિત શર્મા એક ખેલાડીનું પત્તુ કાપી શકે છે. આ ખેલાડી આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે ફ્લોપ સાબિત થયો હતો.
ADVERTISEMENT
આ ખેલાડીનું પત્તુ કાપશે રોહિત શર્મા!
કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમમાંથી મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદારનું પત્તુ કાપી શકે છે. રજત પાટીદારને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તક મળી હતી, પરંતુ ફ્લોપ પ્રદર્શનને કારણે રજત પાટીદારની ઘણી ટીકા થઈ હતી. રજત પાટીદારે આ સિરીઝમાં પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે રજત પાટીદારની પસંદગી કરવામાં આવી હતી. રજત પાટીદાર ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝની 6 ઈનિંગ્સમાં એકવાર પણ 40 રનનો આંકડો પાર કરી શક્યા ન હતા.
રજત પાટીદારે કર્યું ફ્લોપ પ્રદર્શન!
રજત પાટીદારે આ સિરીઝની 3 ટેસ્ટ મેચોની 6 ઈનિંગ્સમાં 32, 9, 5, 0, 17, 0 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 3 ટેસ્ટ મેચની 6 ઈનિંગ્સમાં કુલ 63 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ રજત પાટીદારના આ ખરાબ પ્રદર્શનને પચાવી શક્યું નથી. રજત પાટીદાર મોટી તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને ટેસ્ટ ટીમમાં તેમના સ્થાન પર પ્રશ્નો ઉભા થયા હતા. ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝમાં રજત પાટીદાર ભારતીય મિડલ ઓર્ડરની સૌથી મોટી નબળાઈ તરીકે ઉભરી આવ્યા હતા.
રિસ્ક લેવા માંગતા નથી કેપ્ટન
કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં રજત પાટીદારને પસંદ કરવાનું રિસ્ક લઈ શકતા નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની આ બે મેચની ટેસ્ટ સિરીઝ કોઈપણ ભોગે જીતવી પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારત અત્યારે ટોપ પર છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ભારત અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમી ચૂક્યું છે. આ દરમિયાન ભારતે 6 ટેસ્ટ મેચ જીતી છે. આ સિવાય ટીમ ઈન્ડિયાને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે એક ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ભારતની જીતની ટકાવારી હાલમાં 68.52 છે. પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો જ વર્ષ 2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમશે. રજત પાટીદારની જગ્યાએ ભારતીય ટીમ મેનેજમેન્ટ રિંકુ સિંહ અથવા સૂર્યકુમાર યાદવને વધારાના બેટ્સમેન તરીકે પસંદ કરી શકે છે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
- પ્રથમ ટેસ્ટ મેચ - 19 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર, સવારે 9.30 કલાકે, ચેન્નાઈ
- બીજી ટેસ્ટ મેચ - 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, સવારે 9.30 કલાકે, કાનપુર
ADVERTISEMENT