Suryakumar Yadav Injury Update: વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને લઈને એક ખરાબ સમાચાર છે. ખરેખર, ટી 20ના નંબર 1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે રમાનારી આગામી T20 સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સમાં દાવા
આ દાવા મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવ આફ્રિકા સામેની ટી20 સિરીઝની છેલ્લી મેચમાં બોલને રોકતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેઓ ઓછામાં ઓછા 7 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે.
મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા યાદવ
સાઉથ આફ્રિકા સામેની મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થયા બાદ ફિલ્ડિંગ દરમિયાન મેદાનમાંથી બહાર ચાલ્યા ગયા હતા. આ ઈજા સૂર્યકુમારને ફિલ્ડિંગ દરમિયાન શરૂઆતની ઓવરમાં જ થઈ હતી. ત્યાર બાદ મેચમાં રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશિપ સંભાળી હતી. સૂર્યાકુમાર યાદવે મેચ પછી કહ્યું હતું કે તેઓ ઠીક છે, પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે, તેનાથી ફેન્સનું ટેન્શન વધી ગયું છે.
હાર્દિક ઈજાગ્રસ્ત થતાં યાદવને સોંપાઈ હતી જવાબદારી
સૂર્યકુમાર યાદવ ODI વર્લ્ડ કપ 2023 પછી ભારતીય T20 ટીમની કેપ્ટનશિપ કરી રહ્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં જીત અપાવી હતી. જ્યારે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ 1-1થી બરાબર કરી દીધી. હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થયા બાદ તેમને ટી20માં કેપ્ટનશિપ મળી હતી.
ફેબ્રુઆરીમાં સ્વસ્થ થશે સૂર્યકુમાર
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સૂર્યકુમાર યાદવની ઘૂંટીમાં ઈજા થઈ છે. સાઉથ આફ્રિકાથી પરત ફર્યા બાદ તેમણે સ્કેન કરાવ્યું હતું. આમાં ઈજાની ગંભીરતા સામે આવી હતી. હવે એવું જાણવા મળ્યું છે કે તેઓ ઓછામાં ઓછા એક મહિના સુધી રમી શકશે નહીં. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં સૂર્યકુમાર યાદવના સ્વસ્થ થવાની સંભાવના છે.
અફઘાનિસ્તાન સિરીઝમાંથી થશે બહારઃ દાવો
આવી સ્થિતિમાં તેઓ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી-20 સિરીઝમાંથી બહાર થઈ જશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમને સાજા થવામાં સમય લાગશે. ભારતના ‘મિસ્ટર 360 ડિગ્રી’ રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે, તેથી તેઓ અફઘાનિસ્તાન સિરીઝમાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
કોણ સંભાળશે ટીમની કમાન?
જો યાદવ અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં નહીં રમે તો ટીમના કેપ્ટન કોણ હશે તે જોવું રહ્યું. હાર્દિક બહાર છે અને રોહિત શર્મા માટે રમવું મુશ્કેલ છે. તેમના વિશે એવા સમાચાર હતા કે તેઓ અને વિરાટ કોહલી પણ આ સિરીઝથી દૂર રહેશે. આવી સ્થિતિમાં તેઓ સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં સીધા જોવા મળશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન કોણ હશે તે એક મોટો સવાલ છે.
ADVERTISEMENT