T20 World Cup 2024: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ કબજે કર્યું છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને ફાઈનલ મેચમાં જીત બાદ ચમકતી T20 વર્લ્ડ કપની ટ્રોફી આપવામાં આવી છે. ચાંદીની બનેલી આ ટ્રોફી ખૂબ જ સુંદર અને આકર્ષક છે. આ વચ્ચે ક્રિકેટ ફેન્સના મનમાં એ સવાલ જરૂર ઉઠતો જ હશે કે આ વર્લ્ડ કપ ટ્રોફી કોની પાસે રહેશે? આ ટ્રોફી કેપ્ટન, કોચ કે બોર્ડ કોની પાસે રાખવામાં આવશે? ટીમના અન્ય ખેલાડીઓને વર્લ્ડ કપ જીત્યા બાદ શું ઈનામ મળે છે અને આ ICC ટ્રોફી કોણ ડિઝાઇન કરે છે? આજે અમે આપને આ રિપોર્ટ દ્વારા આ તમામ સવાલોના વિગતવાર જવાબો આપીશું.
ADVERTISEMENT
કોણ બનાવે છે ટ્રોફી?
ટી20 વર્લ્ડ કપની ટ્રોફી વન ડે વર્લ્ડ કપથી અલગ હોય છે. વનડે વર્લ્ડ કપની ટ્રોફી સોનાની બનેલી હોય છે. જ્યારે ટી20 વર્લ્ડ કપની ટ્રોફી ચાંદીમાંથી બનાવવામાં આવે છે. T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં એટલે કે 2007માં આ ટ્રોફીને ઓસ્ટ્રેલિયાની મિનાલે બ્રાઇસ ડિઝાઇન સ્ટ્રેટેજી દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તેનું નિર્માણ ભારતમાં અમિત પાબુવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી તેનું નિર્માણ લિન્ક્સ ઓફ લંડન દ્વારા થવા લાગ્યું. 2021માં થોમસ આ ટ્રોફીનું સત્તાવાર નિર્માતા બન્યું. આ ટ્રોફી સંપૂર્ણપણે ચાંદી અને રોડિયમથી તૈયાર કરવામાં આવે છે. તેનું વજન લગભગ 12 કિલો હોય છે. તેની ઊંચાઈ 57.15 સે.મી અને પહોળાઈ 16.5 સે.મી સુધી હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કિંમત 15-20 લાખ રૂપિયાની વચ્ચે છે.
કોને મળે છે અસલી ટ્રોફી?
વનડે વર્લ્ડ કપની જેમ ટી20 વર્લ્ડ કપની પણ અસલી ટ્રોફી ટીમને નથી આપવામાં આવતી. આ ટ્રોફી ICC પોતાની પાસે રાખે છે. જ્યારે વિજેતા ટીમને રેપ્લિકા ટ્રોફી (સમાન દેખાતી ટ્રોફી) આપવામાં આવે છે. ICC દરેક ટીમ અનુસાર તમામ અસલ ટ્રોફી પોતાના કેબિનેટમાં રાખે છે.
રેપ્લિકા ટ્રોફી પર કોનો કબ્જો?
વિજેતા ટ્રીમને મળતી રેપ્લિકા ટ્રોફી કોઈપણ ખેલાડી, કેપ્ટન અથવા કોચને નથી આપવામાં આવતી. તેને ક્રિકેટ બોર્ડ પોતાના કેબિનેટમાં રાખે છે. આ પહેલા ભારતે 3 વર્લ્ડ કપ જીત્યા છે. તેમાં 2007 ટી 20 વર્લ્ડ કપ અને 1983 અને 2011નો વનડે વર્લ્ડ કપ સામે છે. આ ત્રણેય વર્લ્ડ કપ પણ ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ પોતાના કેબિેનેટમાં જ રાખ્યા છે. આવું દરેક ક્રિકેડ બોર્ડ કરે છે.
ખેલાડીઓને શું મળશે?
વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓને સત્તાવાર પ્રમાણપત્રો અને મેડલ આપવામાં આવે છે. આ સાથે વિજેતા ટીમને મળેલી રકમ પણ આ ખેલાડીઓ વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે. વર્તમાન વર્લ્ડ કપ વિજેતા ટીમને ઈનામ તરીકે 20.37 કરોડ રૂપિયાની રકમ મળી છે. BCCI સેક્રેટરી જય શાહે પણ વિજેતા ટીમને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે. આ તમામ રકમ ટીમના ખેલાડીઓમાં વહેંચવામાં આવશે. વિવિધ રાજ્ય સરકારો પણ તેમના ખેલાડીઓને એવોર્ડ આપે છે. આ સિવાય ખેલાડીઓને મેચ જીતવા બદલ મેન ઓફ ધ મેચ સહિત અન્ય પુરસ્કારોનો પણ અધિકાર છે.
ADVERTISEMENT