Suryakumar Yadav News: ભારતીય ટીમે હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમી હતી. આ શ્રેણી 1-1થી બરાબર રહી હતી. આ શ્રેણીની છેલ્લી મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી. આ શ્રેણીમાં સૂર્યકુમાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. હવે ટીમ ઈન્ડિયા વનડે શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત થઈ જશે. રવિવારથી વનડે શ્રેણી શરૂ થઈ રહી છે. જો કે આ સીરિઝ પહેલા સૂર્યકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૂર્યકુમાર બસમાં પોતાની ટીમના સાથી પર ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે.
ADVERTISEMENT
ટી20 સીરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. ત્રીજી મેચ ભારતના નામે રહી હતી. સૂર્યકુમાર બીજી વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં રમાયેલી પાંચ મેચની T20 સીરીઝમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. ભારતે આ શ્રેણી 4-1થી જીતી લીધી હતી.
અર્શદીપ પર સૂર્યકુમારને ગુસ્સો આવ્યો
આ વાયરલ વીડિયોમાં સૂર્યકુમાર બસમાં ચઢે છે અને પછી હસતાં હસતાં કોઈની સાથે વાત કરે છે. થોડોક આગળ વધતાં જ તેની નજર અર્શદીપ પર પડી. અર્શદીપને જોઈને સૂર્યકુમારનો મૂડ બદલાઈ જાય છે અને તે ગુસ્સામાં દેખાય છે. તે તેની તરફ આંગળી ચીંધે છે અને આંખો કાઢીને ગુસ્સામાં કંઈક કહે છે. થોડીવાર કંઈક બોલ્યા પછી તે આગળ વધે છે. જોકે શરૂઆતમાં વિડિયો જોઈએ તો એ સ્પષ્ટ નથી થતું કે સૂર્યકુમાર કોના પર ગુસ્સે થઈ રહ્યા છે, પરંતુ જેમ જેમ સૂર્યકુમાર વીડિયોમાં આગળ વધે છે, તે સ્પષ્ટ થઈ જાય છે કે તેને અર્શદીપ સિંહ પર ગુસ્સો આવી રહ્યો છે. આ પછી, સૂર્યકુમાર આગળ વધે છે અને અર્શદીપ સિંહની સીટની પાછળની સીટ પર બેસી જાય છે.
રોહિતની બરાબરી પર પહોંચ્યો સૂર્યા
સૂર્યકુમારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી છેલ્લી T20 મેચમાં 100 રનની ઇનિંગ રમી હતી. ટી20માં સૂર્યકુમારની આ ચોથી સદી હતી. આ સાથે સૂર્યકુમારે રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલની બરાબરી કરી લીધી છે. રોહિત અને મેક્સવેલના નામે T20માં ચાર-ચાર સદી છે.
ADVERTISEMENT